________________
સંતોની ભિક્ષા ૧૫૫
જરૂર નથી. શિષ્યના ત્યાગ-વૈરાગ્યનો રંગ પાકો છે; અને એની જીવનસાધના કુંદન જેવી નિર્મળ અને સાચા મોતી જેવી સુદૃઢ અને મોહ-માયાની ગમે તેવી અગ્નિપરીક્ષામાં એ વધારે પ્રકાશી ઊઠે એવી અને ભોગવિલાસના હથોડાના પ્રહારને પણ પાછો પાડી દે એવી છે. સિદ્ધિચંદ્ર તો સાચે જ, આત્મસાધનાની સિદ્ધિના સ્વામી બની ગયા હતા.
શાસ્ત્રો અને શાનના સાચા ઉપાસક એ ગુરુ અને શિષ્ય પોતાની જીવનસાધનામાં સદા જાગ્રત રહેતા; અને તેથી આવા મોટા સમ્રાટની પોતા તરફની ભક્તિનો ગર્વ કે મોહ એમને સ્પર્શી પણ ન શકતો. અને આવી ભક્તિનો ઉપયોગ પણ તેઓ ધર્મકાર્યને વધારવામાં જ કરતા. વળી અવસર મળ્યે, સમ્રાટને સત્યની સમજણ આપવી, એને પણ તેઓ પોતાનું કર્તવ્ય માનતા; અને નાના-મોટા બધા માનવીઓનું અને જીવોનું કલ્યાણ થાય એવો જ હમેશાં પ્રયત્ન કરતા રહેતા.
અકબર બાદશાહ જાનવરોની સાઠમારી અને એવી એવી રમતો યોજતા. એક વાર તેઓ ચિત્તાની લડાઈ જોતા હતા. એવામાં એક ચમકેલ હરણ બાદશાહ તરફ દોડી આવ્યું અને, બાદશાહ સાવધાન થાય એ પહેલાં તો, હરણનું અણીદાર શિંગડું એમની સાથળમાં પેસી ગયું ! એ પીડા લાંબો વખત ચાલી. બાદશાહને પચાસ દિવસ સુધી પથારીમાં જ રહેવું પડ્યું. એ વખતે બાદશાહની પાસે બે જ વ્યક્તિઓને જ્વાની પરવાનગી હતી : એક અબુલ ફજલ, અને બીજા મુનિ ભાનુચંદ્રજી, બંને વિદ્યાના ઉપાસકો હતા એટલે એમની વિદ્વત્તાભરી વાતો બાદશાહના મનને બહેલાવતી અને એમની પીડાને હળવી કરતી.
અને આવો યોગ એ તો મુનિ ભાનુચંદ્રને ધર્મપ્રભાવના માટે સોનેરી યોગ લાગતો. આવે વખતે પીડાગ્રસ્ત માનવી પારકાની પીડાને વધારે સારી રીતે સમજી શકે છે અને અહિંસા-કરુણાની ભાવનાને વધારે સહાનુભૂતિપૂર્વક ઝીલી શકે છે. અવસરે મુનિ શહેનશાહને આવી આવી વાતો કરવાનું ન ચૂકતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org