________________
પાંચ જનમની પ્રીત ૧૩૫
એક ભાઈ તો પોતે, પણ બીજો ભાઈ ક્યાં ? ચક્રવર્તી વિચારનિદ્રામાંથી જાગી ગયા. પોતાના બાંધવને જોવા એમણે ચારે તરફ નજર ફેરવી. અરે, પાંચ પાંચ ભવથી અમે સાથે ને સાથે હતા, ને અત્યારે ક્યાં ગયો પોતાનો સાથી !
ચક્રવર્તીની વિચારમાળા ત્યાં થંભી ગઈ. આગળનો મણકો એમને સાંપડતો નથી. પાંચ પાંચ જનમનો સાથી બાંધવ જાણે અલોપ થઈ ગયો છે. એની ભાળ એને લાધતી નથી. એનું અંતર ભાઈને માટે તલસી ઊઠે છે; એનું હૈયું પોકાર કરે છે : પાંચ જનમનો સાથી મારો ભાઈ ક્યાં ? પાંચ જનમની અમારી અખંડ પ્રીત કેમ કરી નંદવાણી ? અને બાંધવના વિરહમાં ચક્રવર્તીપણાનાં સુખો ખારાં ધૂ થઈ ગયાં !
- -
બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાના પાંચ પૂર્વજન્મના સાથીનો આટલો દોર તો પકડી શક્યા, પણ પોતાની પાંચ જન્મની પ્રીતમાં ભંગ ક્યાં પડ્યો એનું દર્શન એમને લાધતું નથી. એ વધુ ને વધુ ચિંતનપરાયણ બને છે.
[u]
બ્રહ્મદત્ત ચક્રવર્તીને છેવટે પાંચ જન્મની પ્રીતિના ભંગનો દોર સાંપડતો લાગ્યો. એમણે જોયું કે અનાસક્તિ અને આસક્તિના જુદા પડેલા રાહે પાંચ જનમ લગી સાથે ને સાથે રહેતી બાંધવ-બેલડીને જુદી પાડી દીધી હતી; અને એમની પાંચ જનમ પુરાણી પ્રીતને તોડી નાખી હતી.
પ્રીતિભંગનું કારણ લાધી ગયું. અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દિલ પોતાના ભાઈ માટે ખૂબ અધીરું બની બેઠું. એમના મનમાં તો હવે ‘મારો ભાઈ ક્યાં ? મારો બાંધવ ક્યાં ?'ની જ રટના ચાલી રહી. પોતાના વિખૂટા પડેલા ભાઈને શોધ્યા વિના હવે એમને જંપ વળવાનો ન હતો.
ભાઈની શોધ માટે ચક્રવર્તીએ ઢંઢેરો પિટાવ્યો. જાણે બંધુપ્રેમનો નાદ રેલાવતા ઢંઢેરાના શબ્દો ગામેગામ ગાજતા થયા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org