________________
૧૩૦ ૦ અભિષેક
અમારા માટે અશક્ય છે. ભલે પછી રાજઆજ્ઞા પોતાને ગમતો રાહ લે.”
રાજદંડ કઠોર થયો : રાજઆજ્ઞા છૂટી કે બંને ભાઈઓએ કાશીનગરીનો જ નહીં, કાશી દેશનો પણ ત્યાગ કરવો.
અને જ્યારે દેવમંદિરોમાં સંધ્યાની આરતીના ઘંટારવ બજી રહ્યા હતા, ત્યારે ચિત્ર અને સંભૂતિ પોતાના સ્વજનો, અને પ્રાણ-પ્યારી ઝૂંપડીને આખરી સલામ કરીને વિદાય લઈ રહ્યા.
પણ નીચ કુળના દોષે એમને પરભોમમાં પણ જંપ વળવા ન દીધો. એ જ્યાં જાય ત્યાં એમની કળા ઉપર તો બધાં ય મુગ્ધ બની જાય, પણ જ્યાં ખબર પડે કે એ ચાંડાલ કુળના છે એટલે એમને અપમાન અને તિરસ્કાર જ નસીબમાં રહે !
કળાના સ્વામીઓને પોતાનો આ તિરસ્કાર ભારે અકારો થઈ પડ્યો. કળાદેવીની આટઆટલી કૃપા છતાં, જે વાત પોતાના હાથની ન હતી, એ ચાંડાળ કુળમાં જન્મ લેવા માત્રથી જ લોકો પોતાની આવી અવહેલના કરે એ એમને માટે અસહ્ય થઈ પડ્યું. એમને થયું ઃ રે જીવ ! આવું અપમાન સહીને જીવવા કરતાં આત્મહત્યા કરીને મરવું શું ખોટું ? જીવવામાં ડગલે ને પગલે દુઃખ ને અપમાન છે, અને મારવામાં તો કેવળ એક જ વાર દુઃખ છે ! પછી ન દેખવું, ન દાઝવું ! પછી ન કોઈનો તિરસ્કાર, ન કોઈની અવહેલના !
આમ બંને ભાઈઓ બહાવરા થઈને ભમે છે. એના જીવને ક્યાંય ચેન નથી. એમના મનને ક્યાંય નિરાંત નથી. એમનું મન તો જાણે આત્મહત્યાની જ માળા રટે છે. ન એ સુખે ખાય છે, ન સુખે સૂએ છે. અને છેવટે એક દિવસ પર્વતશૃંગ ઉપરથી ઝંપાપાત કરવા તૈયાર થઈ જાય છે.
પર્વતની ભયંકર કરાડ ઉપર બંનેના દેહ તોળાઈ રહ્યા છે. જાણે ગિરિકંદરા એમને માતાની ગોદ જેવી પ્યારી બની ગઈ છે. મોતને અને એમને ચાર આંગળનું જ છેટું છે. એક કદમ આગળ અને પળમાત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org