________________
પાંચ જનમની પ્રીત ૧૨૭
ચક્રવર્તી જાણે એ ભવને તાદૃશ નીરખે છે. સાંભળો ત્યારે એ રોમાંચક કથા.
[૩]
કાશીનગરીમાં આજે ઠેર ઠેર એક જ વાત ચર્ચાતી હતી : મહારાજના ન્યાયાસને રાજમંત્રી જેવા રાજમંત્રી નમુચિને ય મોતની સજા ફરમાવી હતી !
મહામંત્રી નમુચિ બુદ્ધિના ભંડાર અને સંગીત-વિઘાના પારગામી હતા. રાજકાજમાં એમનો નિર્ણય આખરી લેખાતો. એમના બોલને અવગણનારનું મસ્તક સલામત ન રહેતું. પણ આજે એક આળ એમના માથે આવ્યું હતું. દુરાચારના ગુના આગળ રાજમંત્રી પણ રાંક બની ગયા હતા. પ્રજાએ જોયું કે આવા સમર્થ પુરુષને પણ પોતાના ગુનાની સજા શિર ઝુકાવીને સાંભળવી પડી હતી. નમુચિને ફાંસીને માંચડે ચડાવી દેવાની રાજાના ચાંડાલને આજ્ઞા પણ મળી ચૂકી હતી, અને હવે તો રાજમંત્રીના મોતની ફક્ત ઘડીઓ જ ગણાતી હતી.
ફાંસીનો માંચડો તૈયાર થયો છે. ચાંડાલ પણ રાજઆજ્ઞાના પાલન માટે તૈયાર ખડો છે. પણ રે ! જરા ય વેદના અનુભવ્યા વિના સેંકડો માનવીઓને મોતના મુખમાં ધકેલી દેનાર ચાંડાલનું હૈયું આજે પાછું કાં પડે ? દોરી ખેંચવાનો વળી વળી વિચાર કરે છે અને એનું મન વળી વળી પાછું પડે છે. એ આમ ફરે છે અને તેમ ફરે છે, પણ એનું મન જાણે આજે એને સાથ આપવા માગતું નથી. પથ્થરમાં ઝરણું ફૂટી નીકળે એમ એના કઠોર અંતરમાં આજે કરુણાનો ઝરો વહી નીકળ્યો છે.
ચાંડાલ ચાલાકી ખેલે છે. રાજઆજ્ઞાનું પાલન કરવાનો દેખાવ કરી તરકીબથી નમુચિને પોતાને ત્યાં લઈ જાય છે.
ચાંડાલને બે દીકરા છે : એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ ; જાણે બે દેવકુમારો જ જોઈ લો, રૂપે-રંગે સૌનું મન હરી લે એવા છે. રાંકને ત્યાં જાણે રતન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org