________________
પ્રેમ-પાવકની જવાળા ૦ ૯૧
ચરણોની આ સતત ગતિશીલતા જાણે એના અંતરની ગતિશીલતાનું સૂચન કરી રહેલ છે.
એમના ચરણોની ગતિને આજે ક્યાં ય થંભ નથી; એમના અંતરને પણ આજે ક્યાં ય વિશ્રામ નથી. એ તો જેમ જેમ ચાલે છે એમ એમ વધુ ચિંતનમાં ઊતરતા જાય છે. આ તો જાણે મનના ચિંતનનો વેગ જ ચરણોને વધુ ગતિશીલ બનાવી રહેલ છે ! એ કોણ છે ભલા ?
એ છે શ્રમણ શ્રેષ્ઠ, સાહસ-શૂર મહાજ્ઞાની આચાર્ય આર્ય કાલક. પડછંદ કાયા, ભવ્ય લલાટ, આજાનબાહુ સુડોળ નાસિકા અને ગૌર વર્ણના તેજપુંજથી કાંતિમાન લાગતા એ પુરુષને નિહાળ્યા જ કરીએ, નીરખ્યા જ કરીએ. જાણે આંખોમાં સદાને માટે સમાવી લઈએ એવી એમની ભવ્યતા અને એવો એમનો પ્રભાવ છે ! વાર્ધક્યની ગરિમાથી ઓપતી એ કાયા પુરુષાર્થના અવતાર સમી ભાસે છે.
શ્રમણસંઘના આ અધિનાયક આર્ય કાલકના જીવનની સાથે ઇતિહાસની કેવી કેવી ગાથાઓ વણાયેલી હતી ! અરે, બીજું તો ઠીક, એકલી ઉજજૈની નગરીને એનો ઈતિહાસ પૂછો અને એ હૈયું થંભી જાય એવી આપવીતીની સાહસકથા સંભળાવે છે ! રાજ તો ઉજ્જૈનીમાં ગમે તેનું પ્રવર્તતું હોય, પણ લોકહૃદયના સ્વામી તો આર્ય કાલક જ છે. છે તો એ નિર્ગુન્થ. અકિંચન, અણગાર – ધનદોલત કે ઘરબાર વગરના – એક સાધુ, પણ જાણે સર્વત્ર એમનું અચલ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આવા પુરુષસિંહસમા આર્ય કાલકનું ચિત્ત આજે ચિંતામગ્ન બન્યું છે. એ ચિંતામાં શાસન-ધર્મના ભવિષ્યની વિચારણાનો ભાર ભર્યો છે અને એ ભાર એમના તનને અને મનને બેચેન બનાવી રહ્યો છે.
તેઓ વિચારે છેઃ “ધર્મની ધુરાનો ભાર જેમને વહન કરવાનો છે તે શ્રમણો જો જ્ઞાનથી સમૃદ્ધ અને ચારિત્રથી શોભાયમાન નહીં હોય તો શાસનનું ભાવિ ઉજ્જવળ નથી રહેવાનું ! જ્ઞાનવિહીન કંગાલ માનવીને ચારિત્રની સંપત્તિ મળવી અશક્ય છે. જ્ઞાન તો ચારિત્રના – જીવનશુદ્ધિના માર્ગને અજવાળનાર પ્રદીપ છે. એ પ્રદીપને ખોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org