________________
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા
અર્થોપાર્જનના વ્યવસાયે તેઓ એક કાયદાશાસ્ત્રી હતા. પોતાની ખંત, ધીરજ, ઠાવકાઈ, મર્મ સુધી પહોંચવાની વેધક દૃષ્ટિ, તેજસ્વી બુદ્ધિ વગેરે શક્તિઓને કારણે તેઓએ પોતાના વ્યવસાયમાં ઘણી નામના અને સફળતા મેળવી હતી; કમાણી પણ ઘણી કરી હતી. આમ છતાં જેમ-જેમ કમાણી વધતી ગઈ તેમતેમ પોતાના આ વ્યવસાયમાં વધારે ને વધારે ખૂંપી જવાને કારણે પોતાની કારકિર્દી એકાંગી ન બની જાય એ માટે એમણે જે અસાધારણ જાગૃતિ દાખવી હતી તે દાખલારૂપ બની રહે એવી હતી.
એમણે રાષ્ટ્રીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે જે પૂર્ણ નિષ્ઠાભરી સેવાઓ આપી હતી, તથા ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનાં સંપાદન-સર્જન-ભાષાંતર-વિવેચન કરવામાં જે ફાળો આપ્યો હતો, તે એમના જીવનવિકાસની, ઉદાર મનોવૃત્તિની તથા ગુણશોધક દૃષ્ટિની કીર્તિગાથા બની રહે એવો છે.
તેઓની રાષ્ટ્રીય સેવાની ભાવના કેવળ દેશભક્તિના વિચારોમાં સીમિત રહેવાને બદલે એટલી ઉત્કટ અને સક્રિય હતી કે એમણે મહાત્મા ગાંધીની અજોડ રાહબરી નીચે ખેલાયેલી દેશની આઝાદીની બેનમૂન અહિંસક લડતના એક વફાદાર સૈનિક તરીકે જેલવાસ પણ સ્વીકાર્યો હતો. સને ૧૯૩૦-૩૨નાં વર્ષો દરમિયાન એમને જે જેલવાસ ભોગવવો પડ્યો હતો, તે દરમિયાન એમણે વિવિધ વિષયનાં સંખ્યાબંધ પુસ્તકોનું વાચન-મનન કરીને પોતાની જ્ઞાનપિપાસાને સંતુષ્ટ કરવા સાથે, જૈનસમાજને માટે ખૂબ વિચારપ્રેરક બની રહે એવા “નવયુગનો જૈન” નામે ઉત્તમ પુસ્તકનું સર્જન પણ કર્યું હતું.
તા. ૨૭-૩-૧૯૫૧ના રોજ, ૭૨ વર્ષની ઉમરે મુંબઈમાં શ્રી મોતીચંદભાઈનો સ્વર્ગવાસ થયો તે પ્રસંગે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી, પ્રબુદ્ધ જૈન” પાક્ષિકના તંત્રી અને જાણીતા ચિંતક શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાએ તા. ૧-૪-૧૯૫૧ના અંકમાં લખ્યું હતું -
“સોલિસિટરની કારકિર્દી શરૂ કર્યાને આજે ચાલીશ વર્ષ પૂરાં થવા આવ્યાં. આ ચાલીશ વર્ષ દરમિયાન તેમણે એક ધંધાદારી સોલિસિટર તરીકે તો સારી નામના મેળવી, પણ એ ઉપરાંત જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોમાં તેમણે પ્રવેશ કર્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શોભાવ્યું. જૈન સમાજની તો એક પણ એવી પ્રવૃત્તિ નથી કે જેને તેમણે જીવન સમપ્યું ન હોય... શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સ સાથે તો તેમનું નામ સદાને માટે જોડાયેલું રહેશે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org