________________
૫૪
અમૃત સમીપે (૧૧) ભારતીય વિધાના વિશ્વવિદ્યુત વિદ્વાન્ ડૉ. બ્રાઉન
ભારતીય વિદ્યાના વિશ્વવિકૃત અમેરિકન વિદ્વાન ડૉ. વિલિયમ નોર્મન બ્રાઉનનું, તા. ૨૮-૪-૧૯૭૫ના રોજ ૮૨ વર્ષની ઉંમરે અમેરિકામાં અવસાન થતાં વિશ્વના વિદ્યાજગતને ભાગ્યે જ પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. ડૉ. બ્રાઉનની ઉંમર પરિપક્વ હોવા છતાં એમની કાર્યનિષ્ઠા, કામ કરવાની શક્તિ અને કંઈક ને કંઈક પણ મૌલિક કે દાખલારૂપ સંશોધન કરી વિદ્વાનો અને જિજ્ઞાસુઓને ભેટ આપવાની ધગશ સજાગ અને સક્રિય હતી.
એમણે સંખ્યાની દૃષ્ટિએ ભલે મર્યાદિત ગ્રંથોનું સંશોધન-સર્જન કર્યું હોય, પણ ગુણવત્તાની દૃષ્ટિએ તો એ અમૂલ્ય અને ચિરકાળ સુધી સંશોધન અને સર્જનનો શ્રેષ્ઠ નમૂનો બની રહે એવા છે. આ ગ્રંથો ડૉ. બ્રાઉનની જ્ઞાનસાધના, વિદ્યાસૂઝ, સત્યશોધક દૃષ્ટિ, મર્મગ્રાહી વૃત્તિ અને આદર્શ વિદ્વત્તાની લાંબા સમય સુધી કીર્તિગાથા સંભળાવતા રહેશે. એ જ રીતે એમના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ તેમ જ એમની વિરલ અને વ્યાપક વિદ્વત્તાનો થોડોક પણ લાભ મેળવનાર વિદ્વાનો પણ જીવનભર એમના પ્રત્યે ઊંડી કૃતજ્ઞતાની અને બહુમાનની લાગણી અનુભવતા રહેશે, એમાં શક નથી. ડૉ. બ્રાઉનના જીવનમાં વિદ્વત્તાની સાથે સુજનતા અને નમ્રતાનો જે સુમેળ સધાયો હતો, એનું જ આ સુપરિણામ છે.
ડૉ. બ્રાઉનનો જન્મ તા. ૨૪-૯-૧૮૯૨ના રોજ અમેરિકામાં બાલ્ટીમોરમેરીલેન્ડમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી જ્યોર્જ વિલિયમ બ્રાઉન અને માતાનું નામ શ્રીમતી વર્જિનિયા બ્રાઉન હતું. માતા-પિતા બંને ખ્રિસ્તી ધર્મના પ્રચારકઉપદેશક તરીકે કામ કરતાં હતાં અને આ માટે તેઓને ભારતમાં જબલપુર ક્ષેત્રમાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડૉ. બ્રાઉનને પોતાનાં માતા-પિતા સાથે, તેર વર્ષની ઉંમર સુધી, આ રીતે ભારતમાં જબલપુરમાં રહેવાનો અને પ્રાથમિક અભ્યાસ કરવાનો અવકાશ મળ્યો એ જાણે ભવિષ્યના સુભગ યોગનો જ પૂર્વયોગ અથવા પૂર્વભૂમિકા રૂપ સુયોગ હતો. તેર વર્ષની ઉમરે જ્યારે તેઓ અમેરિકા પાછા ગયા ત્યારે હિંદી ભાષામાં સારી રીતે વાત કરી શકતા હતા.
આ ઉપરથી એમ કહી શકાય કે ડૉ. બ્રાઉનના અંતરમાં ભારતીય વિદ્યા અને વિશેષે કરીને સંસ્કૃત ભાષા અને સાહિત્યની ઉપાસના કરવાનાં જે બીજ રોપાયાં તે એમને નાનપણમાં જ અનાયાસે થયેલ ભારતના આ સંપર્કને કારણે જ. ધ્યેયનિષ્ઠા, સંશોધન કરીને સત્યને શોધી કાઢવાની વેધક દૃષ્ટિ, કુશાગ્ર બુદ્ધિ, અદમ્ય ઉત્સાહ અને શ્રમશીલતા જેવી શક્તિઓએ એ બીજનું સંવર્ધન કરવામાં અનુકૂળ ખાતર-પાણી-હવા પૂરાં પાડવાનું કામ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org