________________
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
૬૦૧
સેવાવૃત્તિ, સ્વસ્થતા, સત્યચાહના, અધ્યયનશીલતા, ધર્મપરાયણતા, ઉદારતા જેવી પોતાની અનેક શક્તિઓને તથા ગુણસંપત્તિને ઉપાસી છે.
શ્રી ચીમનભાઈ સ્થાનકવાસી જૈનસંઘમાં એક બાહોશ, વગદાર, અને પ્રભાવશાળી અગ્રણી તરીકે ભારે આદર-બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. સ્થાનકવાસી સંઘની આંતરિક, ધાર્મિક તેમ જ સામાજિક કેટકેટલી યોજનાઓ તથા પ્રવૃત્તિઓ માટે એમનાં આવડત અને માર્ગદર્શનનો કેટલો બધો લાભ મળતો રહ્યો છે ! ઉપરાંત, કેળવણીની, વૈદ્યકીય ઉપચારની, સમાજોત્થાનની, ગ્રંથપ્રકાશનની, સાધુ-સાધ્વીઓના અધ્યયન-અધ્યાપનને લગતી અને બીજી પણ કેટલી બધી સંઘની પાંખોને કાર્યશીલ તેમ જ પગભર બનાવવા માટે તેઓ કેટલાં બધાં ચિંતા અને પ્રયત્ન કરે છે ! એમ કહી શકાય કે એમની કાર્યશક્તિ અને સેવાવૃત્તિનો લાભ, એક યા બીજા રૂપમાં, સ્થાનકવાસી સંઘની બધી નહીં તો મોટા ભાગની સંસ્થાઓને મળતો રહ્યો છે, અને તેથી જે-તે સંસ્થાના વિકાસ સાથે શ્રી ચીમનભાઈનું નામ અને કામ ચિરકાળપર્યંત સંકળાયેલું રહેશે.
પણ શ્રી ચીમનભાઈનું જાહેરજીવન જો આટલી સેવા પૂરતું જ મર્યાદિત 'રહ્યું હોત, તો તે દૂર-દૂર સુધી પ્રકાશ પ્રસરાવી શકે એવા જળહળતા વીજળીના દીવાને નાના-સરખા ઓરડાની ચાર દીવાલો વચ્ચે રૂંધી નાખવા જેવી કમનસીબી લેખાત. પણ, એમ ન બન્યું અને સમયના વહેવા સાથે, એ વધુ ને વધુ વિસ્તૃત બનતું ગયું એ મોટી ખુશનસીબીની વાત લેખાવી જોઈએ.
સંભવ છે, એમનું વ્યાપક જાહેરજીવન ગાંધીયુગમાં દેશવ્યાપી બનેલી રાષ્ટ્રભાવના અને દેશને સ્વતંત્ર બનાવવાની અદમ્ય પ્રવૃત્તિથી આરંભાયું હોય.
જેમ રાષ્ટ્રના સ્વાતંત્ર્યની તથા રાષ્ટ્રના ઉત્થાનની પ્રવૃત્તિમાં શ્રી ચીમનભાઈનો ફાળો નોંધપાત્ર છે, તેમ અન્ય જૈન ફિરકાઓની સત્પ્રવૃત્તિના સહભાગી બનીને એમણે એ ફિરકાઓમાં પણ સારી ચાહના મેળવી છે. એમની આવી વ્યાપક દૃષ્ટિનું આહ્લાદકારી દર્શન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી ભારત જૈન મહામંડળ, શ્રી મહાવીર કલ્યાણકેન્દ્ર, સ્થાનકવાસી સંઘની સખાવતથી ચાલતું સર્વ કોમો માટેનું ‘જૈન ક્લિનિક' અને ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણવર્ષની ઉજવણી માટે કેન્દ્ર-સરકાર તથા રાજ્ય-સરકાર દ્વારા નિમાયેલી તેમ જ દિલ્હીમાં તેમ જ મુંબઈમાં જૈનસંઘના ચારે ફિરકાના સંયુક્ત ઉપક્રમે રચાયેલી સમિતિઓ એ બધાં સાથે સંકળાઈને એમણે બજાવેલી મહત્ત્વની કાર્યવાહીમાં થાય છે. વળી આપણા વિખ્યાત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના એક વિશ્વાસપાત્ર સાથીરૂપે, ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહક-મંડળના એક સભ્ય તરીકે પણ તેઓએ વર્ષો સુધી પોતાની સેવાઓ આપી હતી એ બીના એમની સાહિત્યરુચિ અને વિદ્યાપ્રીતિની સાક્ષી પૂરે છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org