________________
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
૩૯
આપવાનું આવ્યું. આ માટે મહેનત કરવામાં શ્રી વીરચંદભાઈએ જરા ય કસર ન રાખી; પોતાનાં ઊંઘ અને આરામને ભોગે એમણે દિલ દઈને કામ કર્યું. છેવટે મુંડકવેરો દૂર થયો, અને એના બદલામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાલીતાણાના ઠાકોરસાહેબને વાર્ષિક પંદર હજાર રૂપિયા આપે એમ સમાધાન થયું.
આ પછી બીજું વધારે જવાબદારીવાળું મોટું કામ એમના માથે આવ્યું સમેતશિખરજી મહાતીર્થની પવિત્રતા જાળવવા માટે કાયદેસરની કામગીરી બજાવવાનું. બોમ (?) નામના અંગ્રેજે પાલગંજના રાજા પાસેથી સમેતશિખરના પહાડનો અમુક ભાગ ભાડાપટે રાખ્યો હતો, અને ત્યાં એ પશુઓનો વધ કરાવીને ચરબીનું કારખાનું કરવા માંગતા હતા. આવા પવિત્ર તીર્થસ્થાનનો આવો ભયંકર હિંસક ઉપયોગ થવાની વાત જાણીને જૈનસંઘમાં ભારે સંક્ષોભ જાગ્યો. જૈનોએ બિહારની કોર્ટમાં આની સામે કેસ દાખલ કર્યો; પણ એમાં સફળતા ન મળી. પછી એ કેસ કલકત્તાની હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો, અને એની કામગીરી શ્રી વીરચંદભાઈને સોંપવામાં આવી. આ માટે શ્રી વીરચંદભાઈ ખાસ કલકત્તા જઈને રહ્યા. શ્રી વી૨ચંદભાઈ આમ તો કાયદાશાસ્ત્રી ન હતા, પણ આ કેસમાં એમણે એક નિપુણ કાયદાશાસ્ત્રી જેટલી તૈયારી કરી. જરૂર લાગી તો બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો, અને કેસમાં નાની કે મોટી એક પણ બાબત નજ૨-બહાર ન જાય એ માટે પૂરેપૂરી ચીવટ રાખી. આખરે એનો ફેંસલો જૈનસંઘના લાભમાં આવ્યો; અને શ્રી વીરચંદભાઈના ઊગતા જાહેર જીવન ઉપર યશકલગી ચડી.
ચિકાગોની સર્વધર્મપરિષદ સને ૧૮૯૩ના સપ્ટેમ્બર મહિનામાં મળી. શ્રી વીરચંદભાઈ પૂજ્ય આત્મારામજી મહારાજની પ્રેરણાથી જૈનધર્મના પ્રતિનિધિ તરીકે પરિષદમાં હાજર રહ્યા હતા. હિંદુધર્મનું પ્રતિનિધિત્વ પ્રજ્ઞાપ્રગલ્ભ સ્વામી વિવેકાનંદે કર્યું હતું. બંનેની એક જ જન્મરાશિ અને ઉંમર પણ યૌવનની થનગનતી લગભગ એકસરખી : સ્વામી વિવેકાનંદની ઉંમર ૩૧ વર્ષની, શ્રી વીરચંદભાઈની ઉંમર ૨૯ વર્ષની; બંનેનો વેશ ભારતીય. બંનેનાં તેજસ્વી વ્યક્તિત્વ, પાંડિત્ય અને વક્તૃત્વે પરિષદ ઉપર ખૂબ ઊંડી છાપ પાડી, અને ભારતીય સંસ્કૃતિના આત્માનો પરિષદને પ્રતીતિકર ખ્યાલ આપ્યો.
શ્રી વીરચંદભાઈ મૂળે ધર્મપ્રેમી અને ધર્માભ્યાસી તો ખરા, છતાં પૂર્વતૈયારી વગર આવી પરિષદમાં જૈનધર્મનું સફળ અને પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરી શકે એવું પાંડિત્ય નહીં. પણ આત્મારામજી મહારાજે એમને અમુક વખત માટે પોતાની પાસે રાખીને એ માટે પૂરેપૂરા તૈયાર કરી દીધા. તત્ત્વજિજ્ઞાસા, આંતરિક યોગ્યતા અને બુદ્ધિપ્રતિભા તો હતી જ ફક્ત એ પાંગરવાને માટે કોઈ સુયોગ્ય ગુરુની રાહ હતી. શ્રી વીરચંદભાઈએ ગુરુની આશા અને અપેક્ષાઓ આ પરિષદમાં સવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org