________________
૫૯૧
ડૉ. કેશવલાલ મલુકચંદ પરીખ
પુત્રીઓના પોતાના વિશાળ કુટુંબને આવો જ ઉત્તમ સંસ્કારવારસો આપી શક્યા
હતા.
સરળ, સાદું અને ધર્મપરાયણ એમનું જીવન હતું. ઠાવકાઈ અને ચોકસાઈપૂર્વક બધું કામ કરવાની એમની ટેવ હતી. નામનાની કોઈ કામના નહીં, મોહ-માયાનો કોઈ વળગાડ નહીં. નાનું કે મોટું જે કામ લીધું હોય તેને નિષ્ઠાપૂર્વક પૂરું કરવામાં જ આનંદ અનુભવવો એ શ્રી કેશુભાઈની સહજ સ્વભાવ હતો.
આવા એક શાણા અને શાંત પુરુષનું મુંબઈમાં ૮૦ વર્ષની પાકટ ઉંમરે, તા. ૧૭-૨-૧૯૬૭ના રોજ અવસાન થયું. આવું સુખ-શાંતિ-સૌજન્યભર્યું જીવન જીવી તેઓ કૃતાર્થ બની ગયા અને એક સજ્જન અને નખશિખ સદ્ગૃહસ્થ તરીકેનું ઉમદા ઉદાહરણ આપણી સામે મૂકતા ગયા.
શ્રી કેશુભાઈનો વિશેષ પરિચય શ્રીયુત પરમાનંદભાઈ કુંવ૨જી કાપડિયાએ ‘પ્રબુદ્ધજીવન’ના તા. ૧-૩-૧૯૬૭ના અંકમાં લખેલ એક સ્મરણનોંધ'માં આપવામાં આવ્યો છે. એ નોંધમાંનો કેટલોક ભાગ અમે નીચે સાભાર ઉદ્ધૃત કર્યો
છે
:
“તેમનો જન્મ મહુવા ખાતે ઈ.સ. ૧૮૮૬ની સાલમાં થયો હતો. ૧૯૧૦ની સાલમાં એલ. એમ. એન્ડ એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરીને તેઓ ડૉક્ટર થયા. ત્યાર બાદ તેમણે સરકારી મૅડિકલ ખાતામાં નોકરી સ્વીકારી. તે દરમ્યાન ૧૯૧૮ની સાલમાં તેઓ પાલનપુરમાં હતા ત્યારે ત્યાં પૂરજોશમાં પ્લેગ ફાટી નીકળ્યો. આ કટોકટીમાં તેમણે જીવના જોખમે લોકોની ખૂબ જ સેવા કરી, ને ત્યાંના પ્રજાજનોની તેમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી. સરકારી ફેરબદલીના કારણે એક સ્થળેથી બીજે સ્થળે એમ બાર વર્ષ તેમણે સરકારી નોકરીમાં પસાર કર્યાં.
“૧૯૨૨ની સાલમાં તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને આંખના નિષ્ણાત તરીકે તેમણે પ્રેક્ટિસ શરૂ કરી. ડૉક્ટરી વ્યવસાય સાથે તેમની અનેક સામાજિક તથા પારમાર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી. અસ્પૃશ્યતા-નિવારણના કાર્યમાં તેમને ખૂબ રસ હતો. પોતાના દવાખાનામાં, એ જમાનામાં અનેક સ્થિતિચુસ્તોનો વિરોધ ખમીને પણ, અસ્પૃશ્યો માટેની એક મદદ-પેટી રાખી હતી, અને તે દ્વારા સારા પ્રમાણમાં એકઠી થતી રકમનો પૂરો સદુપયોગ કરવામાં આવતો હતો. ગાંધીજીની વિચારસરણી પ્રત્યે તેમને ખૂબ આકર્ષણ હતું. વર્ષોથી તેઓ ખાદી પહેરતા અને કાંતતા હતા. જે પ્રવૃત્તિ લગભગ આખર સુધી, એટલે કે શારીરિક ક્ષમતાના ટકાવ સુધી ટકી રહી હતી. ૧૯૩૨ની સાલમાં ગાંધીજીએ યરવડા જેલમાં જ્યારે અસ્પૃશ્યોના અલગ મતાધિકારના પ્રશ્ન ૫૨ ૧૪ દિવસના ઉપવાસ કર્યા હતા, ત્યારે તેમણે પણ ગાંધીજી પ્રત્યેના આદરથી પ્રેરાઈને ૧૪ ઉપવાસ કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org