________________
શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ
૫૮૭ શંભુભાઈ પ્રત્યે મમતા જાગી. છેવટે એમની કાર્યશીલતા, સચ્ચાઈ, નિખાલસતા વગેરેથી આકર્ષાઈ, સને ૧૯૨૪ કે ૧૯૨૫માં પંડિતજીએ એમને પોતાના વાચકસહાયક તરીકે રાખી લીધા.
આ સમય મહાત્મા ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠના ઉત્કર્ષનો સમય હતો. ભલભલા વિદ્વાનો, પંડિતો અને કાર્યકરો દેશસેવા માટે આ રાષ્ટ્રીય વિદ્યાલયમાં આવી બેઠા હતા. પંડિત શ્રી સુખલાલજી પણ એ જ રીતે આ તીર્થના યાત્રિક બન્યા હતા. અહીં શંભુભાઈને કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપાલાણીજી, પં. બેચરદાસજી, મુનિશ્રી જિનવિજયજી, શ્રી રામનારાયણ પાઠક, શ્રી રસિકભાઈ પરીખ જેવા વિદ્વાનોનો પણ સંપર્ક થયો. એમનું વિશિષ્ટ ઘડતર થયું; એમની રાષ્ટ્રીય ભાવના વધારે નક્કર બની, અને જિંદગીભર એ કાયમ રહી.
આ અરસામાં મોરબી પાસે ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની શતાબ્દીનો પ્રસંગ આવ્યો. એ માટે આપણા રાષ્ટ્રશાયર શ્રી મેઘાણીભાઈએ ઝંડાધારી” નામે પુસ્તક લખેલું : તે તથા બીજાં પુસ્તકો લઈને શંભુભાઈના નાનાભાઈ ગોવિંદભાઈ ત્યાં વેચવા ગયા. વેચાણ તો સારું થયું, પણ શ્રી ગોવિંદભાઈના ગજવા ઉપર કોઈ ખિસ્સાકાતરુનો હાથ ફરી ગયો ! પણ એથી હારે તો ગોવિંદભાઈ જ નહીં : કચ્છની ધરતીનું ખમીર જીવનમાં ભર્યું હતું.
પછી મરચી પોળની ધર્મશાળામાંથી સ્વતંત્રતાનાં ગીતો” અને “સ્વાધીનતાનાં ગીતો' નામે બે પુસ્તકો પ્રગટ કરવાનું સાહસ કર્યું. એવામાં તો ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પહોંચ્યો. આ બે ભાઈઓએ ૧૯૩૦ની ૧૨મી માર્ચે મીઠાવેરો' નામે પુસ્તક પ્રગટ કર્યું. તે પછી “સંપૂર્ણ દારૂ નિષેધ' અને “આખરી ફેંસલો'ના ચાર ભાગ સચિત્ર પ્રગટ કર્યા. આથી કમાણી તો કંઈ બહુ ન થઈ, પણ લોકોમાં ખ્યાતિ સારી મળી; અને પુસ્તક-પ્રકાશનનો ધંધો ખેડવાની હિંમત આવી. હવે તો આખું કુટુંબ અમદાવાદમાં આવી ગયું હતું. આ અરસામાં જ ગાંધીરોડ ઉપર એક મેડામાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની સ્થાપના કરી; અત્યારે પણ આ પેઢી આ શુકનવંતા મકાનમાં જ ચાલે છે. (ત્યાર બાદ એ જ રસ્તે નજીકમાં વિશાળ મકાનમાં “ગૂર્જર સાહિત્ય ભવન' સ્થપાયું છે. - સં.)
એક બાજુ દુકાન કરી અને બીજી બાજુ રાષ્ટ્રીય ભાવના રાષ્ટ્રના કામ માટે અંતરમાં સાદ કરતી હતી. વિદ્યાપીઠ બંધ થઈ હતી અને પંડિત શ્રી સુખલાલજી પણ વિદ્યાપીઠમાં કામ કરતા બંધ થયા હતા. શ્રી શંભુભાઈ રાષ્ટ્રકાર્ય નિમિત્તે એક સૈનિક-સેવક તરીકે કચ્છમાં બિદડા ગામમાં પહોંચી ગયા અને ત્યાંના આશ્રમમાં રહીને હરિજન બાળકોને ભણાવવાનું અને બીજું રાષ્ટ્રીય કામ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org