________________
શ્રી મનુભાઈ કાપડિયા
૫૭૧
જાહેરજીવનમાં પણ. આ યુગની વિલક્ષણ બની ગયેલી વેપા૨ી આલમમાં કાળાબજાર અને કાળું નાણું પોતાનો કેવો દોર જમાવી બેઠાં છે ! આવા વખતમાં, વેપારમાં ખૂંપેલા હોવા છતાં જો શ્રી મનુભાઈ એનાથી અલિપ્ત રહી શક્યા હોય, તો નથી લાગતું કે તેઓ કાજળની કોટડીમાંથી નિષ્કલંક બહાર આવવાની વિરલ લબ્ધિ ધરાવે છે ?
તેઓનો વ્યવસાય મોટ૨ના સ્પર-પાર્ટ્સનો છે; એ વ્યવસાયમાં તો કેટલીય મોટી-મોટી માતબર પેઢીઓ અને વ્યક્તિઓ જોડાયેલી છે. છતાં એ વર્તુળમાં શ્રી મનુભાઈનું અને એમના વચનનું ખૂબ માન છે; કારણ કે નિખાલસતા, તટસ્થતા, પ્રામાણિકતા, ન્યાયપ્રિયતા અને સત્યપરાયણતાની તેમની મૂડી અખૂટ છે. વેપારી આલમમાં વિરલ આવી ગુણસંપત્તિના બળે જ તેઓ એક વાર ‘ફૅડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ઑટોમોબાઈલ્સ સ્પર પાર્ટ્સ ડીલર્સ ઍસોસિએશન'ના પ્રમુખપદ સુધી પહોંચી શક્યા હતા. પોતાના વ્યવસાયને કોઈ અંગ્રેજી કંપનીની ઢબે સુવ્યવસ્થિતપણે ચલાવવાની શ્રી મનુભાઈની કાબેલિયત અને કોઠાસૂઝ દાખલારૂપ બની રહે એવી છે. વેપાર હોય, ઘરવ્યવહાર હોય કે જાહેર જીવન; ક્યાંય તેઓ અવ્યવસ્થા કે ગેરવ્યવસ્થાને બરદાસ્ત કરી શકતા નથી.
શ્રી મનુભાઈનું જાહેરજીવન ખૂબ સ્વસ્થ, શાંત અને શાણપણથી સભર છે. ચળવળિયા વૃત્તિ, દોડધામ કે કીર્તિની આકાંક્ષાની પરાધીનતા એમને મુદ્દલ ખપતી નથી. સત્તા માટેની પડાપડીમાં તેઓને જરા ય રસ નથી. જે કંઈ કામ સ્વીકાર્યું હોય તે ઠાવકાઈથી, ચીવટ અને નિષ્ઠાપૂર્વક, તેમ જ વ્યવસ્થિતપણે પૂરું કરવાની એમની સહજ પ્રકૃતિ છે. વર્ષો લગી પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના મંત્રીપદે રહીને, છ વર્ષ સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનાર્હમંત્રીપદે રહીને અને બીજી પણ કેટલીક સંસ્થાઓ સાથે એક યા બીજા રૂપે સંકળાયેલા રહીને, શ્રી મનુભાઈએ જે ખબરદારીપૂર્વક જાહેરજીવનની જવાબદારીને અને પવિત્રતાને સાચવી બતાવી છે, તે એમની કાર્યશક્તિ અને કાર્યનિષ્ઠાની યશકલગી બની રહે એવી છે. ક્યારેક કડવા થવાનો વખત આવે તો એથી ન મુંઝાવું, પણ ગમે તે સંજોગોમાં પણ સત્ય અને ન્યાયને આંચ ન આવે એ રીતે જ વર્તવું એવી શ્રી મનુભાઈની અણનમ વૃત્તિ વિશેષ આદર જન્માવે છે.
--
શ્રી મનુભાઈની આવી સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતા, સંસ્કારિતાની પાછળ જેમ એમનું વ્યક્તિત્વ ખડું છે, તેમ ભાવનગરના એમના આણંદજી પરસોતમના સુપ્રસિદ્ધ કુટુંબનો આખો ઇતિહાસ અને એની સંસ્કારઘડતરની આખી પરંપરા પણ ઊભી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org