________________
પ૬૯
શ્રી ચંદુભાઈ સારાભાઈ મોદી
(૨૦) સેવાના ચિરાગ શ્રી ચંદુભાઈ સારાભાઈ મોદી
જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ લેતાં જેમની તથા જેમનાં પિતાશ્રીની અચૂક સ્મૃતિ થઈ આવે, તે શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી તા. ૭-૮-૧૯૬૨ના રોજ મુંબઈમાં સ્વર્ગવાસી થતાં જૈન સમાજને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સેવા કરનાર એક નિષ્ઠાવાન સેવકની ખોટ પડી.
શ્રી ચંદુભાઈનું મૂળ વતન અમદાવાદ. દાયકાઓ પહેલાં પોતાની ધર્મપ્રીતિ અને વિદ્યાપ્રીતિને કારણે દેશ-વિદેશના જૈન-જૈનેતર વિદ્વાનોમાં જાણીતા થયેલા અને જૈન સાહિત્યના પ્રસાર માટે પોતાનાથી બનતું બધું કરી છૂટવાની ધગશ ધરાવનાર સ્વ. શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદીના શ્રી ચંદુભાઈ કુટુંબી થાય. શ્રી ચંદુભાઈના પિતાશ્રી સ્વ. શ્રી સારાભાઈ મગનભાઈ મોદીએ ઉચ્ચ કેળવણી માટે દાયકાઓ અગાઉ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ઘણી મોટી રકમ ભેટ આપીને પોતાની કેળવણી પ્રત્યેની પ્રીતિને સક્રિય રૂપ આપ્યું હતું. આમ આ મોદી-કુટુંબને વિદ્યાપ્રીતિ અને સંસ્કારિતાનો વારસો મળ્યો હોય એમ લાગે છે.
શ્રી ચંદુભાઈએ પોતાના વડીલોનો આ વારસો ટકાવી રાખ્યો અને પોતાની ઢબે ખીલવ્યો પણ ખરો. તેઓએ પોતે પણ બી. એ. (ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યો હતો અને એમાં પૂરક વિષય તરીકે સંસ્કૃત ભાષા લીધી હતી. આટલા ઉચ્ચ અભ્યાસ સાથે જીવનમાં ધાર્મિકતાને વણી લઈને તેઓએ પોતાના સંસ્કારવારસાને વધારે સમૃદ્ધ કર્યો હતો.
જાહેર જીવન એ જ જાણે શ્રી ચંદુભાઈનું જીવન હતું. પોતાનો વેપારવ્યવસાય સરળ રીતે ચાલતો હોય કે એનો કપરો વખત હોય, પણ એમનો જાહેર જીવનનો રસ ક્યારેય ઓછો થયો ન હતો. આ રસને લીધે તેઓ જૈન સમાજની કેળવણીની કે સમાજસેવાની નાની મોટી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા; એટલું જ નહીં, રાષ્ટ્રસેવાના ક્ષેત્રે પણ તેઓ પાછળ રહેતા ન હતા.
દેશની આઝાદીની લડતમાં એક જવાંમર્દની જેમ તેઓએ પોતાની સેવા માતૃભૂમિના ચરણે ધરી હતી, અને જેલવાસને પણ એમણે હોંશભેર વધાવી લીધો હતો. મુંબઈના પરા સાંતાક્રૂઝની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને આકાર આપવામાં શ્રી ચંદુભાઈ હંમેશા આગળ પડતું સ્થાન ધરાવતા હતા. ત્યાંની કોંગ્રેસ-કમિટીના મંત્રી કે પ્રમુખ તરીકેની જવાબદારી તેઓએ વર્ષો સુધી સફળતાપૂર્વક ઉપાડી હતી. સાંતાક્રૂઝના ખાદીભંડારના સ્થાપક પણ તેઓ જ હતા. બાંદરા મ્યુનિસિપાલિટીના કોંગ્રેસે પસંદ કરેલ સભ્ય તરીકે પણ એમણે નોંધપાત્ર સેવાઓ બજાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org