________________
પ૬૮
અમૃત-સમીપે
ભાગ્યની અજમાયશનો આરંભ એમણે, છેક એ કાળે, કલકત્તા જેટલા દૂરદેશાવરને ખેડવાથી કર્યો એ જ એ બતાવે છે કે એમની નજર કેટલે દૂર સુધી પહોંચતી હતી અને ગમે તે કામ હાથ ધરવામાં એમની મનોવૃત્તિ કેટલો સાથ આપતી હતી. આના લીધે જ તેઓએ સાવ શૂન્યમાંથી કરોડપતિ અને મોટા ઉદ્યોગપતિ તરીકે સફળતા અને કીર્તિ મેળવી હતી. જેમણે વ્યવસાયનો આરંભ કલકત્તામાં વાસણોના એક ફેરિયા તરીકે કર્યો હતો, તેમનો અંત એક વિખ્યાત ઉદ્યોગપતિ તરીકે આવે એ ઘટના જ તેમની સિદ્ધિઓનો ખ્યાલ આપવા પૂરતી છે.
એમ લાગે છે કે શ્રી રામજીભાઈએ ઊછરતી વયે જ કદાચ મન સાથે એવી ગાંઠ વાળી હશે કે ભલે નાનો-મોટો, હલકો-ભારે પણ ધંધો જ કરવો; ગમે તેવી લાભકારક અને લોભામણી નોકરી તો ન જ કરવી. નોકરી કરવાથી ભાગ્ય વેચાઈ જાય છે. ઉદ્યોગના ક્ષેત્રમાં એમને સાહસવૃત્તિ અને સફળતાના ગણિતને ખીલવવાનો પૂરતો અવકાશ મળી ગયો.
ઍલ્યુમિનિયમના ઉદ્યોગ માટે દેશભરમાં પ્રસિદ્ધિ પામેલી કલકત્તાની મેસર્સ જીવણલાલ એન્ડ કંપનીની સ્થાપનામાં શ્રી રામજીભાઈનો પણ નોંધપાત્ર હિસ્સો હતો. પછી તો દેશમાં અનેક સ્થળોએ એમણે લોખંડ સિવાયની ધાતુઓના અનેક ઉદ્યોગો સ્થાપ્યા અને એમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી. દેશના આ યુગના નામાંકિત ઉદ્યોગપતિઓમાં શ્રી રામજીભાઈનું નામ સુવર્ણ-અક્ષરોએ અંકિત થાય એવું છે.
પણ જેમ શ્રી રામજીભાઈનું નામ દેશના ઉદ્યોગોના ઇતિહાસમાં ગૌરવભર્યું છે, એ જ રીતે દેશની જનતાની સેવાના તેમ જ સમાજસેવાના ઇતિહાસમાં પણ યાદગાર બની રહે એવું છે. નમ્રતા, સરળતા, દાનપ્રિયતા, દયાળુતા અને ધાર્મિક ઉદારતા એમનામાં ભરી પડી હતી. ધર્મે તેઓ સ્થાનકવાસી જૈન હતા, છતાં એમની લોકસેવાની ભાવના ક્યારેય સાંપ્રદાયિકતાને વશ ન હતી.
એમની રાષ્ટ્રપ્રિયતા પણ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી હતી. દેશના અહિંસક સ્વાતંત્ર્ય-સંગ્રામમાં મહાત્મા ગાંધીજીના નિકટના સહવાસી તરીકે એમણે જે ઉદાર સહાયતા આપી હતી એ યાદગાર બની રહે એવી છે. ઇન્ફલ્યુએંઝા જેવા જીવલેણ અને વ્યાપક બની બેઠેલા રોગચાળા વખતે, સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિ વખતે, સૌરાષ્ટ્રમાં ખાદી-ગ્રામોદ્યોગના વિકાસ માટે, તેમ જ ખેતીની વિકાસ માટે શ્રી રામજીભાઈએ જે નિષ્ઠાપૂર્ણ સેવાઓ આપી છે તે માટે આપણે એમના ઓશિંગણ રહીશું.
(તા. ૧૭-૭-૧૯૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org