SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંદનમલજી ફિરોદિયા પકપ સેવા શ્રી ફિરોયાદિયાજીના જીવનનું પવિત્ર ધ્યેય બની ગયેલ છે. જે સેવાધર્મને આપણા નીતિવિશારદોએ યોગીઓને માટે પણ અગમ્ય લેખ્યો છે, એની દીક્ષા જાણે આજન્મ મળી હોય એ રીતે, કોઈ પણ પ્રકારના આડંબર વગર તેઓ સેવાના ક્ષેત્રને પોતાનું બનાવી લે છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્ર એ ત્રણે ય ક્ષેત્રની સમાનભાવે સેવા કરીને શ્રી ફિરોદિયાજીએ પોતાની સેવાપરાયણતાની સમતુલા પણ ભારે કુનેહપૂર્વક જીવનમાં જાળવી જાણી છે. અહમદનગરના તેઓ વતની; ૧૮૮૫માં એમનો જન્મ. વ્યવસાયે તેઓ ધારાશાસ્ત્રી – સદા ય સમયની તંગી વરતાય એવા અને જેટલો સમય વધુ કામ કરો એટલું વધુ અર્થોપાર્જન થાય એવા કુશળ અને નામાંકિત ! પણ તેમનું આંતરિક ખમીર એવું નીકળ્યું કે તેઓ આ ધંધા છતાં અર્થલોલુપતામાં ન ફસાયા; એટલે કે નહીં, સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવામાં ઊભા થતા અનેક કોયડા કે ઉકેલમાં પોતાની વિચક્ષણ બુદ્ધિનો ઉપયોગ કરી લીધો! અહમદનગર મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેની એમની કારકિર્દીને હજી પણ લોકો સંભારે છે. દેશના સ્વાતંત્ર્યયુદ્ધના એક નિષ્ઠાવાન સૈનિક તરીકેની એમની નામના પણ ન ભૂંસાય એવી છે. અને મુંબઈ ધારાસભાના એક સત્યપ્રિય, ન્યાયપ્રિય, તટસ્થ “સ્પીકર તરીકે એમણે જે કામ કરી બતાવ્યું, એથી તો તેમની કીર્તિની સુવાસ ચોમેર પ્રસરી ગઈ છે. મહાત્મા ગાંધીજીનું જીવન અને કાર્ય, બીજા લાખો દેશવાસીઓની જેમ જ શ્રી ફિરોદિયાજી પર પણ કામણ કરી ગયું. એક ધર્માનુરાગી ઠરેલ વ્યક્તિ તરીકે ગાંધીજીની, ત્યાગ અને બલિદાનની ભાવનાથી સભર, અહિંસક, શાંત સ્વાતંત્ર્યલડતની વાત એમને ખૂબ ગમી ગઈ; તેઓ ગાંધીજીના સાચા અનુયાયી અને દેશના સાચા સેવક બની ગયા. એ રીતે પોતાના જિલ્લામાં અને મહારાષ્ટ્ર પ્રાંતમાં (જૂના મુંબઈરાજ્યમાં) પણ તેઓ ખૂબ આદર અને બહુમાનભર્યું સ્થાન ભોગવતા હતા; એથી જનસમૂહમાં તેઓ “ભાઉસાહેબ'ના વહાલભર્યા-માનભર્યા નામથી ઓળખાતા હતા. એમના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયેલ સમતા અને સ્વસ્થતા તથા શાંતિ અને શાણપણને લીધે, તેમ જ એમની ઉદાર, ગુણગ્રાહક, સત્યશોધક ધર્મરુચિને લીધે આપણે એમને આદર્શ જૈન તરીકે બિરદાવી શકીએ. સ્થાનકવાસી શ્રમણ-સમુદાયમાં એક આચાર્યની આજ્ઞામાં સૌ રહે એવી નવી પ્રણાલિકા સ્થાપિત કરીને એ ફિરકાના શ્રમણસંઘની એકતા સાધવા માટે શ્રી ફિરોદિયાજીએ જે જહેમત ઉઠાવી હતી અને જે દૂરંદેશી અને કાર્યશક્તિ દાખવી હતી, એ સોનેરી અક્ષરોએ અંકિત થઈ રહે એવી છે. આનો સાચો લાભ આ સંઘને કેટલો મળ્યો એ જુદી વાત છે; પણ એથી શ્રી ફિરોદિયાજીની સેવાની ધગશ કેવી ઉત્કટ હતી એ તો બરાબર જાણી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy