________________
શ્રી જીવરાજ ભાણજી શાહ
પ૪૯
સમાજને પ્રગતિને માર્ગે દોરવા માટે અને પોતાને સમજાયેલું સત્ય સમાજ સમક્ષ, તેમ જ જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવા માટે એમણે કેટલાય લેખો લખ્યા હતા. એમનાં લખાણોમાં જેમ એમની સમાજસુધારક તરીકેની મનોવૃત્તિનાં દર્શન થાય છે, તેમ એમાં સામાજિક દૃષ્ટિએ સ્વતંત્ર ચિંતક તરીકેની તેમ જ શાસ્ત્રોના વાચન-મનનની અસર પણ દેખાય છે. સત્યને સમજવાની, સમજાવવાની અને પોતાના મત માટે કોઈ પણ જાતનો હઠાગ્રહ નહીં રાખવાની શ્રી બાંઠિયાજીની સહજ પ્રકૃતિ દાખલારૂપ બની રહે એવી હતી.
તેમણે પોતાના વ્યવસાયમાંથી સમયસર નિવૃત્તિ લીધી હતી. સતત વાચન, ચિંતન અને લેખન દ્વારા એમણે પોતાની આ નિવૃત્તિને એક રીતે પ્રશાંત પ્રવૃત્તિથી સભર બનાવી હતી; અને એમ કરીને એમણે પોતાના શેષ જીવનમાં જીવનનો સાર મેળવી લેવા પ્રયત્ન કર્યો હતો. ડૉ. ભોગીલાલ જે. સાંડેસરાએ લખેલ અને અમદાવાદના ભો. જે. વિદ્યાભવન તરફથી પ્રગટ થયેલ મહામાત્ય વસ્તુપાલની વિદ્યાપ્રવૃત્તિને લગતાં પુસ્તકોનો હિંદી અનુવાદ શ્રી બાંઠિયાજીએ કર્યો હતો. કોઈ પણ જાતની અર્થની અપેક્ષા વગર સાવ નિઃસ્વાર્થભાવે સાહિત્ય-પ્રવૃત્તિ એ શ્રી બાંઠિયાજીની વિદ્યાપ્રીતિની નોંધપાત્ર વિશેષતા હતી.
છેલ્લા વખતમાં તેઓ એમના મોટા જમાઈ (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ અને સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના પ્રમુખ શ્રી દોલતસિંહજી કોઠારીના ભાઈ ) શ્રી પ્રતાપસિંહ કોઠારી સાથે રહેતા હતા. જાણે પોતાના અંત-સમયની ઝાંખી થઈ ગઈ હોય એમ એમણે સૌની સાથે ક્ષમાપના કરીને, ધર્મનું સ્મરણ કરીને પોતાના મૃત્યુને ઉજ્જવળ બનાવી લીધું !
(તા. ૨૩-૮-૧૯૯૯)
(૧૨) આદર્શ નગરસેવક શ્રી જીવરાજ ભાણજી શાહ
જ્યાં જીવનમાં શક્તિ, ભક્તિ અને પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ સધાય છે, ત્યાં લોકકલ્યાણનું જંગમ સેવાતીર્થ આકાર પામે છે, અને માનવીનું જીવન કૃતાર્થ બની જાય છે. એ સેવાતીર્થમાં જનકલ્યાણની પરબોને ચાલુ રાખવાનો પુરુષાર્થ કરતાંકરતાં માનવી શતદલ કમળની જેમ ખીલીને લોકહૃદયનો નિવાસી બની જાય છે. સ્વર્ગસ્થ ભાઈશ્રી જીવરાજ ભાણજી શાહ આવા જ એક બડભાગી મહાનુભાવ હતા. સેવાભાવના અને પરમાર્થના તાણાવાણાથી જ એમનો જીવનપટ વણાયેલો હતો; અને કાર્યસૂઝ, વ્યવહારદક્ષતા, નમ્રતા, ઉદારતા, ધ્યેયનિષ્ઠા જેવા મનોહર વેલબુટ્ટાઓથી એ વિશેષ શોભાયમાન બન્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org