________________
શ્રી રામચંદ્રભાઈ
૫૧૫
ધર્મનો માર્ગ તો સમજાઈ ગયો, પણ એ માટે શાસ્ત્રોનું અવગાહન કરવા જેટલી બુદ્ધિશક્તિ ખીલી નહોતી અને પ્રામાણિકતાપૂર્વક કુટુંબના નિર્વાહની જવાબદારી પૂરી કરવા આડે એ માટે કોઈ અવકાશ ન હતો; અને છતાં ધર્મસાધના તો કરવી જ હતી. એટલે રામચંદ્રભાઈએ આકરી લાંબી તપસ્યાનો કઠણ માર્ગ સ્વીકારી લીધો : જાણે એમણે મનોમન નિશ્ચય કરી લીધો કે આત્મસાધના કરતાં આ કાયાને ગમે તેટલું કષ્ટ ભલે પડે, પણ કુટુંબને દુઃખમાં ન મૂકવું.
પછી તો જાણે તપ એ જ શ્રી રામચંદ્રભાઈનું જીવન બની ગયું. અત્યાર સુધીમાં એમણે એક માસખમણ, એક વાર એકવીસ ઉપવાસ, એક વાર સોળ ઉપવાસ, એક વાર પંદર ઉપવાસ અને ચૌદેક વાર અઠ્ઠાઈની તપસ્યા કરી છે; તેમાં ય છ-એક અઠ્ઠાઈ તો ચોવિહારી (પાણીનો પણ ત્યાગ કરીને) કરી છે. પાંચ વર્ષ પહેલાં એમણે એક સાથે અઢીસો આયંબિલ કર્યાં હતાં.
પછી તો લગભગ સાડાચૌદ વર્ષે પૂરી થઈ શકે એવી વર્ધમાનતપની ઓળી એમણે શરૂ કરી. આ તપસ્યા ભારે આકરી લેખાય છે : એક આંબેલ ઉપર એક ઉપવાસ, બે આંબેલ ઉપર એક ઉપવાસ, એમ વધતાં-વધતાં એકસો આંબેલ ઉપર એક ઉપવાસ થાય ત્યારે આ મહાન તપસ્યા પૂરી થાય. લુખ્ખા-સુક્કા ભોજનથી કાયાનો નિર્વાહ કરવાનો.
શ્રી રામચંદ્રભાઈ આવા મોટા તપસ્વી છે એ જ કંઈ એમની વિશેષતા નથી. એમના પ્રત્યે વિશેષ આદર અને બહુમાનની લાગણી જન્માવે એવી તો એમની બીજી વિશેષતાઓ છે; એને લીધે જ તપ વિશેષ દીપી ઊઠે છે.
સમતા એ એમના તપની પહેલી વિશેષતા છે. ‘તપ કરીને સમતા રાખી મનમાં' એ શાસ્ત્રવાણીને એમણે જીવનમાં ઉતારી છે. એ કદી આકળા થતા નથી કે પોતાનો મિજાજ ગુમાવતા નથી : ‘તપસ્વી તો ક્રોધી હોય' એ આક્ષેપને એમણે ખોટો ઠરાવ્યો છે. સાચે જ, એ કેવળ આત્માર્થી મૂક તપસ્વી છે.
સેવાવૃત્તિ એ એમની બીજી મહત્તા છે. સેવાનો અવસર મળ્યો કે જાણે ગોળનું ગાડું મળ્યું; પછી તો બીજું બધું ભૂલી જવાના !
એમને શરૂઆતમાં ખાવાનો ભારે શોખ; રસવૃત્તિને પોષવા એ જમ્યા પછી પણ જમવાનું ન ચૂકે, અને ક્યારેક મનપસંદ રસોઈ ન થઈ હોય તો મિજાજ પણ ગુમાવી બેસે ! અને સ્વાદ વધે એમ કામ અને ક્રોધ પણ વધે. શ્રી રામચંદ્રભાઈ ખૂબ લાગણીપૂર્વક કહે છે કે ધર્મનું શરણ અને તપનો માર્ગ મળવાથી મારા કામ અને ક્રોધ તો ગયા, પણ સાથે-સાથે જીભનો સ્વાદ પણ ચાલ્યો ગયો. આજે તો તેઓ શરીરયાત્રાર્થે લુખ્ખું-સુક્કું અન્ન પણ આનંદપૂર્વક આરોગી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org