________________
પ૧૦.
અમૃત-સમીપે એક વાર એમના ઉપર મેલી મૂઠ મારવાનો પ્રયોગ કરવાનું વિચારવામાં આવ્યું; પણ એ નિષ્ફળ ગયો. એક પ્રસંગે એક માણસે ઝનૂનમાં આવીને એમના ઉપર તલવારના ઘા કર્યા. એથી એમના શરીરને કંઈક ઈજા પણ થઈ; પણ એથી ડરવાનું કે હારવાનું કેવું ! એક વખત તેઓ એક મુનિરાજ સાથે પગપાળા આબુતીર્થની યાત્રાએ જતા હતા. એમણે જોયું કે રસ્તામાં કેટલાક કસાઈઓ ઘેટાંબકરાંને કતલ કરવા માટે લઈ જતા હતા. હઠીસિંગભાઈના દયાળુ અંતરથી આ કેવી રીતે બરદાસ્ત થઈ શકે ? એમણે એ મૂંગા, નિર્દોષ જીવોને છોડાવી, ભગાડી દીધા. બદલામાં ગુસ્સે થયેલા એ કસાઈઓએ એમના ઉપર ડંડાથી એવા આકરા પ્રહારો કર્યા કે એના ઘા અંત સુધી દેખાતા રહ્યા. પણ હઠીસિંગભાઈને એની પરવા ક્યાં હતી ? આ ઘા તો જાણે એમની સજીવ કરુણાભાવના !
અરધી કરતાં ય વધુ જિંદગી જીવોની રક્ષા કરવાનાં કરુણાપ્રેરિત સત્કાર્યોમાં વિતાવી આ ધર્મપુરુષ ૮૫ વર્ષની પરિપક્વ ઉમરે સ્વર્ગવાસી બનીને પુણ્યસ્મરણયોગ્ય બની ગયા. લીંચ ગામની પાંજરાપોળ પાસેની એક નાની દેરી અને ગામના દેરાસરમાં મૂકવામાં આવેલી અડધી પ્રતિમા આ પુણ્યપુરુષનું સ્મરણ કરાવીને જીવદયાની પ્રેરણા આપતી રહે છે.
(તા. ૩૧-૭-૧૯૭૬)
(૪) ધર્મજાગૃતિથી સત્તાને શોભાવનાર
શ્રી મોહનલાલ પોપટલાલ શાહ
ગરીબી એમને હતાશાના અંધકારમાં ન ફેંકી શકી, સત્તા એમને ગુમરાહ કે ગુમાની ન બનાવી શકી અને સંપત્તિ એમને છકાવી ન શકી; કારણ કે ઊગતી ઉંમરથી જ ધર્મજાગૃતિનો અને વિવેકનો પ્રદીપ એમના જીવનપંથને અજવાળતો હતો. સ્વસ્થ, સમતાભર્યું અને ધર્મપરાયણ એમનું જીવન હતું; એમણે મનુષ્યજન્મને મૂલવી જાણ્યો હતો. એ હતા રાજકોટનિવાસી શ્રી મોહનલાલ પોપટલાલ શાહ.
ધર્માનુરાગ અને કર્તવ્યપરાયણતાને માર્ગે જીવનને કૃતાર્થ કરીને ત્રણેક મહિના પહેલાં તા. ૨૪-૧૨-૧૯૭૫ના રોજ, બાણ વર્ષની પૂર્ણ પાકટ વયે, એમનો હંસલો નવા ઉન્નત સ્થાનની શોધમાં, જર્જરિત દેહનો ત્યાગ કરીને ચાલતો થયો. સૌરાષ્ટ્રના સ્થાનકવાસી સંઘના તો તેઓ એક સ્તંભ હતા. એમનાં શાણપણ, સેવાવૃત્તિ અને પરગજુ સ્વભાવ સદા યાદગાર બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org