________________
૫૦૯
શ્રી હઠીસિંગભાઈ રતનચંદ શતાબ્દી મહોત્સવ સ્મરણિકા' નામે એક પુસ્તિકાનું સંકલન કર્યું છે. એમાં આ જીવદયાપ્રેમી મહાનુભાવનો ટૂંકો પરિચય આમ આપવામાં આવ્યો છે :
શ્રી હઠીસિંગભાઈનો જન્મ વિ. સં. ૧૯૦૭માં થયો હતો. કુટુંબની સ્થિતિ સામાન્ય, એટલે તેમના વડીલો ભાગ્યને ખીલવવા દક્ષિણમાં જઈને રહિમતપુરમાં સ્થિર થયા. શ્રી હઠીસિંગભાઈ પણ પોતાના વડીલોની સાથે જ ગયા હતા. પણ એમનું મન ધર્મના સહજ સંસ્કારોથી એવું ભાવિત થયેલું હતું કે એ મોટે ભાગે સંસારવ્યવહાર કે ધંધા-વ્યપારના બદલે ધર્મક્રિયા તરફ જ વધારે ઢળેલું રહેતું.
આવો ધર્મરંગી આત્મા લગ્નના બંધનમાં પડીને ઘરસંસાર વધારવાની જંજાળમાં પડવાનું કેવી રીતે મંજૂર રાખે ? શ્રી હઠીસિંગભાઈ વડીલોની આ વાતનો સ્વીકાર કરવા કોઈ રીતે સંમત ન થયા. અને છતાં વડીલોએ લગ્ન કરવાનો આગ્રહ ચાલુ રાખ્યો, તો એથી બચવા માટે તેઓ ગુજરાતમાં મહેસાણામાં પહોંચી જઈને શ્રી વેણીચંદભાઈ જેવા ધર્મપુરુષનાં ધર્મકાર્યોના સાથી બની ગયા. શ્રી હઠીસિંગભાઈની જીવનભર બ્રહ્મચારી રહેવાની ભાવના સફળ થઈ અને એ ભાવનાને અખંડિત રાખવા તેઓ સદા જાગૃત રહ્યા.
એમના અંતરમાં વહેતી જીવદયાની ભાવનાએ એમને એટલું બધું બળ પૂરું પાડ્યું કે આજીવન બ્રહ્મચારી ધર્મી પુરુષ તરીકેનું અતિ કપરું જીવન પણ એમને માટે સહેલું બની ગયું. એમને આવું બળ પૂરું પાડનાર એમની જીવરક્ષા-પ્રીતિની અને વફાદારીભરી કામગીરીની વિગતો જાણવા જેવી છે.
પોતાના ગામ લીંચમાં જ નવરાત્રી-પ્રસંગે કરવામાં આવતા પાડાના વધની વાત વિ. સં. ૧૯૩૮માં એમના જાણવામાં આવી, અને એમના પાપભીરુ અંતરે ભારે આઘાત અનુભવ્યો. એમને થયું : આવાં ઘાતકી કામો તો કેવળ એવાં કાર્યો કરનાર વ્યક્તિને જ નહીં, પણ જનસમુદાયને માટે પણ શાપરૂપ બની જાય; માટે ગમે તેમ કરીને એને અટકાવવાં જ ઘટે. આ માટે વધારે વિચાર કરવાનો તો વખત હતો જ નહીં; જે કંઈ કરવું હોય તે તત્કાળ કરવાનું હતું. એમણે સાહસ ખેડીને, હિંમત દાખવીને અને જોખમની પરવા છોડીને એ પાડાને બચાવી લીધો. આ પ્રસંગથી એમની જીવદયાની કામગીરીનો પ્રારંભ થયો.
વિ. સં. ૧૯૪૦માં એમણે ખૂબ જહેમત ઉઠાવીને પોતાના વતન લોંચ ગામમાં પાંજરાપોળની સ્થાપના કરી. તેઓ ઠેરઠેર ફરીને વધ માટે મોકલાતાં ઢોરોને તથા અપંગ, માંદાં પ્રાણીઓને આ પાંજરાપોળમાં મોકલવા લાગ્યા. આથી . દેવદેવીઓને રાજી કરવા નિમિત્તે કે માંસાહાર નિમિત્તે પશુઓનો વધ કરતા લોકો નારાજ અને ગુસ્સે થાય એ સ્વાભાવિક હતું. આવા લોકોનો ગુસ્સો શ્રી હઠીસિંગભાઈને માટે અગ્નિપરીક્ષારૂપ બની જતો; છતાં તેઓ પોતાના માર્ગથી જરા ય ચલિત ન થતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org