________________
ૉ. ઝાકીરહુસેન
૫૦૩
કુદરત રાષ્ટ્રના આ અકિંચન મૂક શિક્ષકને કીર્તિ અને કારકિર્દીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરવા માગતી હોય એમ, તેઓની સને ૧૯૬૨માં ઉપરાષ્ટ્રપતિ તરીકે અને સને ૧૯૬૭માં રાષ્ટ્રપતિ તરીકે વરણી ક૨વામાં આવી.
ડૉ.ઝાકીરહુસેનની ભારતીય રાજ્યવ્યવસ્થાના સર્વોચ્ચપદે વરણી એ ભારતની લોકશાહીની તવારીખની સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી વિશિષ્ટ ઘટના છે. આપણી લોકશાહીની ભાવનાનું ઘડતર ગાંધીજીના માર્ગદર્શન નીચે થયું, એટલે એના પાયામાં માનવતાનું સિંચન થયું હોય અને એમાં ગુણવત્તાને આગળ પડતું સ્થાન હોય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આ ઘટનાનું મૂલ્યાંકન કરતાં એક આજીવન અદના અધ્યાપકની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક એ ભારતની લોકશાહીની અસાધારણ શોભા છે; અને એથી પણ આગળ વધીને એક બિનહિંદુ લઘુમતી કોમની વ્યક્તિની રાષ્ટ્રના સર્વોચ્ચપદે પ્રતિષ્ઠા, એ સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતે સ્વીકારેલ બિનસાંપ્રદાયિકતાની શાણી રાજનીતિની વિજયપતાકા છે. અને કહેવું જોઈએ કે ડૉ. ઝાકીરહુસેને અનેકાનેક ગુણો ઉપરાંત સમર્પણની ભાવના અને દાખલારૂપ દેશભક્તિથી આ પદની શાન વધારી છે અને પોતાની કારકિર્દીને અમર બનાવી છે.
તેઓ જેમ વિદ્યાના સાચા ઉપાસક હતા, તેમ કળાના અને પ્રકૃતિના મોટા ચાહક હતા. સૌમ્યતાના અમૃતથી છલકાતા એમના મુલાયમ દિલને જેટલો પુસ્તકો તરફ અનુરાગ હતો, એટલો જ પુરાતત્ત્વની વસ્તુઓ અને પુષ્પો પ્રત્યે અનુરાગ હતો. ગરીબીમાં પણ સ્વમાન અને સુઘડતાપૂર્વક જીવવાની કળા જાણે એમને સહજ રીતે વરી હતી.
જીવનમાં જ્યારે પણ મુસીબત આવી પડી ત્યારે તેઓ એની સામે શાંતિ અને ધીરજથી હસતે મુખે ઝઝૂમ્યા અને કડવાશથી હંમેશાં દૂર રહ્યા. પરિણામે, તેઓ કોઈની પણ સાથે વેર-વિરોધ વ્હોરવાને બદલે સૌના મિત્ર બનીને, યથાર્થપણે જ ‘અજાતશત્રુ' કહેવાયા. છેવટે એમને મળેલ અંતિમ માન અને એમની દફનક્રિયા માટે હિંદુ ભાઈઓએ ઉલ્લાસપૂર્વક ભેટ આપેલી જમીન પણ ડૉ. ઝાકીરહુસેનની સર્વજનવત્સલતાની સાક્ષી પૂરે એમ છે.
અખબારોમાં છપાયેલી એમની પ્રશસ્તિઓ તો કહે છે કે એમણે કોઈ વસિયતનામું કર્યું ન હતું – જ્યાં મિલકત જ ન હોય ત્યાં વસિયતનામું કેવું ? આવા અપરિગ્રહી હતા આપણા રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન !
(તા. ૧૦-૫-૧૯૬૯)
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org