________________
૪૯૨
અમૃત સમીપે પછી તો લોકસેવા અને દેશસેવા એ જ એમનો જીવનપંથ બની ગયો. જ્યાં-જ્યાં લોકોને અન્યાય, અત્યાચાર કે દુઃખ વેઠવા પડતાં લાગે ત્યાં શ્રી ટંડનબાબુ દોડી જાય. દેશની સામાન્ય જનતાની કારમી કંગાલિયત જોઈને એમનો આત્મા કકળી ઊઠતો; એ કરુણાવૃત્તિ જ એમને અમીરીમાંથી ફકીરીમાં દોરી લાવી હતી.
૧૯૨૧માં તેઓ ઉત્તર પ્રદેશની કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા, અને એ જ વર્ષમાં એમણે પહેલી જેલયાત્રા કરી હતી. સન ૧૯૩૦માં લાલા લાજપતરાયે સ્થાપેલ સર્વર્સ ઓફ પીપલ્સ સોસાયટીના તેઓ પ્રમુખ બન્યા હતા, તેમ જ એ જ વર્ષમાં અલાહાબાદ મ્યુનિસિપાલિટીના પણ અધ્યક્ષ બન્યા હતા. ૧૯૩૦-૩રમાં એમણે ફરી જેલયાત્રા કરી હતી.
શ્રી નેહરૂની સાથે કિસાન-ચળવળમાં એમણે સક્રિય રસ લીધો હતો, અને ૧૯૩૦-૩૧માં એમણે અખિલ ભારતીય ખેડૂતસંઘની રચના પણ કરી હતી. ૧૯૩૭ અને ૧૯૪૬માં બે વાર તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભાના સ્પીકર નિમાયા હતા, અને પોતાની તટસ્થતા અને ન્યાયપ્રિયતાને લીધે ખૂબ નામના મેળવી હતી. માનભંગ થયે તરત જ એ સ્થાનનો ત્યાગ પણ કર્યો હતો.
પોતાના નિર્ણયને દૃઢપણે વળગી રહેવું અને પોતાના અંતરની વિરુદ્ધ ક્યારે પણ નમતું ન જોખવું એ શ્રી ટંડનબાબુનો સહજ સ્વભાવ હતો. પોતાની વાતને મક્કમપણે વળગી રહેવામાં કેટલીક વાર એમને લોકોનો અણગમો પણ વ્હોરવો પડતો, અને પોતાના સાથીઓને કે ગાંધીજી કે નેહરૂ જેવા ઉચ્ચ નેતાઓને પણ નારાજ કરવા પડતા; પણ એની તેઓ કદી પરવા નહિ કરતા. પોતાના સિદ્ધાંતની ખાતર કોંગ્રેસના પ્રમુખપદનો ત્યાગ કરતાં પણ તેઓ અચકાયા ન હતા.
હિન્દી ભાષાના તેઓ ભારે હિમાયતી હતા. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા બને એ માટેનો એમનો પ્રયત્ન અને પુરુષાર્થ અવિસ્મરણીય છે.
તેઓ સાચા અર્થમાં સાધુપુરુષ હતા; સંતપણું અને સાદાઈ જાણે એમના સ્વભાવમાં સહજપણે વણાઈ ગયાં હતાં. સાદામાં સાદાં અને તે પણ જરૂર પૂરતાં ઓછામાં ઓછાં કપડાં, સ્વાદહીન ભોજન અને ઉપાસનામય જીવન – એ જ એમનો જીવનક્રમ હતો. સ્વાદવૃત્તિ ઉપર કાબૂ મેળવવા માટે ખાંડ, મીઠું અને મસાલા વગરનું ભોજન લેતા હતા.
જનતાએ એમને “રાજર્ષિ બિરુદ આપ્યું હતું તે સાવ સાચું હતું. એવા એ સાધુચરિત નરોત્તમને આપણા અનેક અભિવાદન હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org