________________
૪૭૯
શ્રી ઇન્દુચાચા હતી. જ્યાં પણ તેઓ અન્યાય કે સિતમ ગુજરતો જોતા, ત્યાં એમનો પુણ્યપ્રકોપ જાગી ઊઠતો. પોતાના સર્વસ્વની બાજી લગાવીને એનો પ્રતિકાર કરવા પોતે પુરુષાર્થ કરતા અને વિરાટ જનતાને જાગૃત કરતા ત્યારે જ એમને નિરાંત થતી.
શ્રી ઇન્દુભાઈની હાકલ સાંભળીને દીન-દુઃખી-ગરીબ-શોષિત જનતાના પ્રાણ જાગી ઊઠતા, એનામાં નવજીવનનો સંચાર થતો અને એ એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર થઈ જતી. આવી જનતાના તેઓ સ્વયંભૂ નેતા હતા.
અને આમ થવાનું કારણ પણ સ્પષ્ટ હતું. જે ગરીબ અને દુઃખી જનતાની સેવામાં પોતાના જીવનને કૃતાર્થ બનાવવાનો એમને નાદ લાગ્યો હતો, એના જેવું જ ગરીબીભર્યું જીવન જીવવાનું આપમેળે પસંદ કરીને તેઓ એવી જનતામાંના એક બની ગયા હતા; એ જનતા સાથે સમરૂપ બની ગયા હતા. એક અમીર જેવું સુખ-વૈભવભર્યું જીવન જીવી શકાય એટલી સંપત્તિ રળવાની પૂરેપૂરી આવડત અને હોશિયારીની બક્ષિસ મળી હોવા છતાં, એક આદર્શ જનસેવકને છાજે એવું અકિંચન જીવન જીવવાનું એમણે સમજણપૂર્વક પસંદ કર્યું હતું; અને અરધી સદી કરતાં પણ કંઈક વધુ લાંબા સમયપટ ઉપર વિસ્તરેલા પોતાના જાહેર જીવનમાં તેઓ એ માર્ગને જ ઉલ્લાસપૂર્વક અનુસરતા રહ્યા. તો પછી દુઃખી, દલિત, ગરીબ જનસમાજ એમને પોતાના નેતા માને અને એમના પ્રત્યે આદર-ભક્તિ ધરાવે તેમ જ એમને પોતાના તારણહાર માને એમાં શી નવાઈ ?
શ્રી ઇન્દુભાઈનો જન્મ સને ૧૮૯૨માં નડિયાદમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમણે મુંબઈમાં રહીને અભ્યાસ તો વકીલાતનો કર્યો હતો, પણ એમનું ભાગ્યવિધાન પોતાની બુદ્ધિ અને શક્તિ ગુજરાતના જાહેરજીવનને સમર્પિત કરવાનું અને અંતે ગરીબોના બેલી બનવાનું હોય એ રીતે યૌવનના ઉંબરે પગ મૂકતાં જ એમના જીવનધ્યેયે વળાંક લીધો; એ માટે તેઓ કુબેરસમા ધનપતિઓની મોહમયી મુંબઈ નગરીને છોડીને ગુજરાતમાં આવીને વસ્યા અને ગુજરાતને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. પચાસ-પચાવન વર્ષ જેટલા લાંબા કાર્યકાળ દરમ્યાન મોટે ભાગે અમદાવાદમાં જ એમનું નિવાસસ્થાન રહ્યું, અને છતાં અમદાવાદમાં (કે બીજા કોઈ સ્થાનમાં પણ) એમણે પોતાની માલિકીનું નાનું સરખું ઘર પણ ન જણાવ્યું એ બીના પણ એમણે જીવનમાં કેળવેલી અપરિગ્રહશીલતા અને મસ્તીની સાક્ષી પૂરે એમ છે.
ચોવીસ-પચીસ વર્ષની ઊછરતી ઉંમરે જ્યારે તેજસ્વી બુદ્ધિ અને અદમ્ય કાર્યશક્તિ ધરાવતું યૌવન અર્થોપાર્જન અને સુખોપભોગ માટે કંઈક-કંઈક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે થનગની રહ્યું હોય, ત્યારે શ્રી ઇન્દુભાઈ સેવાપરાયણ જીવનના આશક અને ઉપાસક બનીને અમદાવાદ આવીને રહ્યા; પહેલા વિશ્વયુદ્ધનો સને ૧૯૧૫-૧૬નો એ સમય હતો. અમદાવાદમાં તેઓએ કેળવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org