________________
૪૬૦
અમૃત-સમીપે પંજાબમાં શ્રી આત્માનંદ જૈન કૉલેજ શરૂ કરવાની આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની ભાવનાને મૂર્તરૂપ આપવામાં પણ તેમણે પોતાનો ફાળો આપ્યો હતો.
જૈન કૉન્ફરન્સ સાથે તેઓએ જે ઘનિષ્ઠતા કેળવી હતી એના પાયામાં પણ સમાજ કલ્યાણની પ્રવૃત્તિમાં પોતાનો નમ્ર હિસ્સો આપવાની એમની ભાવના જ હતી; આ ભાવના તેઓએ દીર્ઘદર્શ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પાસેથી મેળવી હતી. સમાજસેવાની આ દાઝને કારણે તેઓની બે વાર કોન્ફરન્સના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમાં ય ફાલનામાં મળેલ કોન્ફરન્સના ઐતિહાસિક અને યાદગાર સંમેલનમાં, એક બાજુ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને બીજી બાજુ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની સહાય લઈને, જેને સમાજની એકતાને લગતા ઠરાવને બહાલી અપાવવામાં તેઓએ જે સફળતા મેળવી હતી, તે એમની કાર્યશક્તિ અને સેવાભાવનાની કીર્તિગાથા બની રહે એવી હતી.
એક સમયે તેઓ ગોડીજી ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. એ જ રીતે મુંબઈના જાણીતા જૈન ઉદ્યોગગૃહના સંચાલનમાં અને એને પગભર બનાવવામાં તેઓએ છેવટ સુધી જે જહેમત ઉઠાવી હતી તે પણ એમની જનકલ્યાણની ધગશની સાક્ષી પૂરે એવી છે.
તેઓનું મન ધર્માનુરાગી હોવા સાથે પ્રગતિવાંછુ હતું. સામાન્ય રીતે તેઓ નવા વિચારોનું મૂલ્યાંકન કે સ્વાગત પણ કરી શકતા હતા. કદાચ એથી જ તેઓ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યે ઘણો જ ભક્તિભાવ ધરાવતા હતા; આચાર્યશ્રીને પણ તેઓના પ્રત્યે ઘણો જ ધર્મસ્નેહ હતો. પોતાના છેલ્લા દિવસો દરમિયાન આચાર્યશ્રી શેઠશ્રી કાંતિભાઈના બંગલે જ રહ્યા હતા, અને તેમનો સ્વર્ગવાસ પણ તેઓના બંગલામાં જ થયો હતો. આ બીના એ બંને વચ્ચે પ્રવર્તતા ગાઢ ધર્મસ્નેહનું દર્શન કરાવે છે.
(તા. ૩૦-૧-૧૯૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org