________________
શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ
૪૫૯
કાર્યસૂઝ અને કાર્યશક્તિ પણ ખરી, અને કોઈનું કામ કરી આપવાની હોંશ પણ એવી જ. સાથે-સાથે ભાગ્યરેખા પણ લીધેલ કામમાં યશ અને સફળતા અપાવીને આગળ વધવામાં સહાયરૂપ થાય એવી. એટલે ક્રમે-ક્રમે તેઓ અર્થોપાર્જનની દિશામાં પ્રગતિ કરતા ગયા અને મુંબઈના શૅરબજારમાં નામના પણ મેળવતા ગયા.
શૅરબજારમાં તેઓની નામના એક ન્યાયપ્રિય, પીઢ અને શાણા વેપારી તરીકેની હતી. બજારની આંટી-ઘૂંટી સમજવાની અને એને ઉકેલવાની સૂઝસમજણ પણ સારી. વળી શૅરોના વેપારના લાભ-ગેરલાભની ગણતરી પણ તેઓ બરાબર કરી શકતા. પરિણામે એ વ્યવસાયે જેમ એમને પોતાને આર્થિક ફાયદો કરી આપ્યો, તેમ બજારના એક શાણા સલાહકાર અને સમાધાનકાર તરીકે પણ એમને સારી નામના અપાવી.
શૅરબજારના વેપાર અને સંચાલનની આ કુશળતા અને કાબેલિયતના કારણે જ તેઓ શૅરબજારના એક સફળ વેપારી તરીકેના સ્થાનેથી આગળ વધતાવધતાં ૧૯૬૬માં દુનિયાભરમાં વિખ્યાત મુંબઈના શૅરબજારના પ્રમુખ બનવા જેવું બહુમાન અને ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હતા. વળી પોતાના સાલસ, સંસ્કારી અને સેવાપ્રેમી સ્વભાવને કારણે મુંબઈના એક પ્રતિષ્ઠિત અને વગદાર નાગરિક તરીકેની કીર્તિ પણ મેળવી શક્યા હતા.
મુંબઈના જૈનસંઘના અગ્રણી તરીકેની એમની કારકિર્દી પણ બીજાઓને માટે પ્રેરણારૂપ બને એવી હતી. જ્યારે મુંબઈના જૈન સમાજનું જાહેર જીવન તેજસ્વી અને પ્રવૃત્તિશીલ હતું, તે કાળે શ્રી કાંતિભાઈ જૈનસમાજની સેવા કરવાની ભાવનાથી અસ્પૃષ્ટ રહી શક્યા ન હતા. તેઓ પણ એ ભાવનાને અમલી બનાવવા પોતાનાં તન-મન-ધનનો આનંદપૂર્વક ઉપયોગ કરતા રહ્યા.
તેઓનો કેળવણી તરફનો અનુરાગ પણ કેવળ ભાવનારૂપ રહેવાને બદલે રચનાત્મક કાર્યરૂપે પરિણત થયો હતો : તેમણે ત્રણ લાખ રૂપિયા જેવી મોટી ૨કમની સખાવતથી, કન્યાઓને કેળવણી માટે મુંબઈમાં શ્રી શકુંતલા જૈન ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ છે કે આ સંસ્થાની સ્થાપનાથી પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લેવાને બદલે જિંદગીભર તેઓ તેના ઉત્કર્ષ માટે ધ્યાન આપતા રહ્યા અને શક્ય પ્રયત્ન પણ કરતા રહ્યા. મુંબઈની એક સુપ્રતિષ્ઠિત શિક્ષણ-સંસ્થા તરીકે આ શાળાએ જે કીર્તિ મેળવી એમાં શ્રી કાંતિભાઈનો ફાળો કંઈ નાનો-સૂનો નથી.
વળી, શિક્ષણ એ જ સમાજઉત્કર્ષનો સાચો માર્ગ છે એ સમજણથી પ્રેરાઈને તેઓએ પોતાના વતન રાધનપુરમાં પણ એક જૈન બોર્ડિંગની સ્થાપના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org