________________
૪૨૦
અમૃત-સમીપે થોડા દિવસ પહેલાં (૧૯૫૫માં) જામનગરમાં “મેઘજી પેથરાજ મેડિકલ કૉલેજ'નો શિલારોપણ વિધિ, સૌરાષ્ટ્રના રાજપ્રમુખ નામદાર જામસાહેબના હાથે થયાના સમાચાર સૌ કોઈ જાણે છે. આ કૉલેજ માટે તેમ જ સૌરાષ્ટ્રમાં લોકહિતનાં બીજાં કામો કરવા માટે, કૉંગ્રેસ-પ્રમુખ શ્રી ઢેબરભાઈ સાથેની માત્ર ૩-૪ કલાક જેટલી વાતચીત બાદ, એકી કલમે ૧૦ લાખ રૂપિયા જેટલી નાદર રકમની સખાવત જાહેર કરનાર શ્રી મેઘજીભાઈનો જોટો મળવો મુશ્કેલ છે. આવી બેનમૂન સખાવત કરીને શ્રી મેઘજીભાઈએ પોતાનું નામ ધન્ય બનાવ્યું છે, પોતાની જનનીને અને સૌરાષ્ટ્રની ધરતીને પણ ધન્ય બનાવી છે. “જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર” એ સાચી જ શીખ છે !
શ્રી મેઘજીભાઈએ સૌરાષ્ટ્રની તો તન, મન અને ધનથી સેવા કરવાનો સંલ્પ કર્યો છે. તેઓ વેપાર-ધંધામાંથી ફારેગ થઈને રાષ્ટ્રકલ્યાણના કામમાં લાગવાના છે અને આવતા દસ વર્ષમાં બીજા એક કરોડ રૂપિયા સૌરાષ્ટ્રના ઉત્થાન માટે વાપરવાનો એમણે નિર્ણય કર્યો છે. એક બીજી યોજના પ્રમાણે દર વર્ષે ૨૦૦-૨૦૦ ગામડાંના હિસાબે પાંચ વર્ષના ગાળામાં તેઓ સૌરાષ્ટ્રનાં એક હજાર ગામડાંઓમાં ૪૦૦-૪૦૦ રૂપિયાના હિસાબે ચાર લાખ રૂપિયા વાચનાલયો માટે આપવાના છે.
શ્રી મેઘજીભાઈની લોકસેવાની તમન્ના તેમના જ શબ્દોમાં થોડીક જોઈએ. આ સમારંભમાં બોલતાં તેઓએ કહ્યું હતું :
“સ્વરાજ્ય આવ્યા પછી સૌરાષ્ટ્ર સરકારે સૌરાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે, અને આ કૉલેજ પણ એ પ્રયત્નોના એક પરિણામરૂપ છે. સરકાર તો પોતાની ફરજ બજાવે એ સ્વાભાવિક છે, પણ જનતામાંથી યે સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે રાષ્ટ્રઘડતરમાં ફાળો આપે તો જ એ ઘડતર એક દિવસ સંપૂર્ણ થાય. અને એ રીતે જ આજે હું મારી શક્તિ પ્રમાણે કંઈક ફાળો આપીને કૃતાર્થ થાઉં છું.
“હું માનું છું કે મારી કમાણી એ માત્ર મારી નથી, પણ મારા રાષ્ટ્રનાં ભાઈ-બહેનોનો તથા જે દેશમાં મેં મુખ્યત્વે આર્થિક વ્યવસાય કરેલો છે તે દેશના વતનીઓનો પણ તેમાં હિસ્સો છે. આજે આ મેડિકલ કૉલેજ માટે મારી શક્તિ મુજબ મદદ આપીને તેઓનો હિસ્સો હું ચૂકવી રહ્યો છું. એમાં કોઈના પર ઉપકાર નથી કરતો, પણ મારી ફરજ જ બજાવી રહ્યો છું. આ મેડિકલ કૉલેજ એક દિવસ સમગ્ર હિંદુસ્તાનમાં એક વિશિષ્ટ સંસ્થા થશે, તે દિવસે હું જ્યાં હોઈશ ત્યાં ખૂબ જ પ્રસન્ન થઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org