SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ અમૃત-સમીપે ધર્મચિ અને વ્યવહાર-કુશળતાને લીધે અનેકગણો વધારીને દેશ-વિદેશમાં ઘણી નામના મેળવી છે. સને ૧૯૨૬માં, ૩૨ વર્ષની ઉંમરે એમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખપદની મોટી જવાબદારી સ્વીકારી હતી. પેઢીના સંચાલકનું કામ જેમ મોટું હતું, તેમ શેઠની કાર્યશક્તિ પણ અસાધારણ હતી. ઉપરાંત, લીધેલી જવાબદારીને સફળ રીતે પૂરી કરવાની દૃઢ નિશ્ચયશક્તિ, ખંત, ધીરજ, સાહસિકવૃત્તિ અને શાણપણની પણ કુદરતે એમને બક્ષિસ આપી હતી. એટલે એ જવાબદારી એમણે પૂરી કુશળતા અને સફળતા સાથે પૂરી કરી, અને આજે ૭૫ વર્ષની ઉંમરે પણ, એ જ ઉત્સાહ અને સ્ફૂર્તિથી એને વહન કરી રહ્યા છે. પેઢીના પ્રમુખ તરીકે, (૧૯૭૦ સુધીમાં) ૪૫ વર્ષ જેટલા લાંબા ગાળામાં તેઓએ જૈન ધર્મ અને સંઘના યોગ-ક્ષેમ માટે જે અનેકવિધ કાર્યવાહી બજાવી છે, તેનો વિચાર કરતાં આપણું મસ્તક સહેજે ઝૂકી જાય છે. પેઢીના પ્રમુખ બન્યા પછી પહેલું કામ એમણે પેઢીના વહીવટને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાનું કર્યું, અને પૈસાની બાબતમાં કોઈને પણ આંગળી ચીંધવાનો વખત ન આપે એ રીતે બધાં તંત્રની નવેસરથી રચના કરી. આ જ અરસામાં શત્રુંજયના યાત્રાવેરાનો પ્રશ્ન પાલીતાણા રાજ્ય સાથે ઉગ્ર બન્યો હતો. આ માટે પાલીતાણા રાજ્યને વાર્ષિક પંદર હજાર રૂપિયા આપવાનો કરાર પૂરો થતો હતો, અને નવા કરાર માટે પાલીતાણાના દરબાર દસ ગણી રકમ, એટલે કે વાર્ષિક દોઢ લાખ માગતા હતા. આની સામે જૈનસંઘમાં વિરોધની તીવ્ર લાગણી પ્રવર્તતી હતી. છેવટે પેઢીના આદેશથી જૈનસંઘે સત્યાગ્રહનો આશ્રય લઈ યાત્રાનો બહિષ્કાર કર્યો; આ બહિષ્કાર એક વર્ષ કરતાં પણ વધારે સમય ચાલ્યો. અંતે વાર્ષિક સાઠ હજાર રૂપિયામાં સમાધાન થયું. આ પ્રકરણમાં તેમ જ સ્વરાજ્ય આવ્યા પછી યાત્રાવેરો સદંતર નાબૂદ કરાવવામાં શ્રી કસ્તૂરભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ધર્માદા-ખાતાંઓનો વહીવટ સ્વચ્છ રહે અને પૈસાને કોઈ જાતનું જોખમ ન થાય એ માટે મુંબઈ સરકારે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ ઘડવાનો વિચાર કર્યો એને શ્રી કસ્તૂરભાઈએ આવકાર આપ્યો હતો. તપગચ્છ સંઘમાં પ્રવેશેલ તિથિચર્ચાના ક્લેશનું નિવા૨ણ કરવા માટે તેઓએ દિલ દઈને કોશિશ કરી હતી. હિરજનોના મંદિર–પ્રવેશનો નિષેધ નહીં કરવાને લગતો ઠરાવ, તેઓની એ અંગેની મક્કમ રજૂઆતને કારણે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કર્યો હતો. જૈનસંઘની એકતા અને આચારશુદ્ધિને ટકાવી રાખવા માટે, સને ૧૯૬૩ની સાલમાં, તેઓએ બોલાવેલ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સંમેલન એ જૈનપરંપરાના ઇતિહાસની એક અસાધારણ અને શકવર્તી ઘટના હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy