________________
શ્રી કે. લાલ
આ ૩૯૩ એમણે તરત જ કહ્યું : “ખાવા-પીવામાં, ઊંઘવામાં અને આરામમાં ખૂબ સાવધાની રાખું છું. અત્યાહાર કે કુપથ્ય ન થઈ જાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. બીજા મારા સાથીઓ મન ફાવે તે જમે, પણ મને એ ન પાલવે; મારે તો બરાબર ખબરદાર અને નિયમિત રહેવું પડે છે.”
મેં હસતાં-હસતાં કહ્યું : “એક સાધક યોગીની જેમ ! નહીં ?” વળી મેં પૂછ્યું : “તમને આ વિદ્યાનો નાદ કેવી રીતે લાગ્યો ?”
કે. લાલે ગંભીર બનીને કહ્યું : “મને બચપણથી જ જાદુ તરફ આકર્ષણ હતું. હું એવા પ્રયોગો કર્યા જ કરતો; અને જ્યાં-ક્યાંયથી એવું થોડું પણ જાણવા મળે ત્યાં કુટુંબની નારાજી વહોરીને અને મોં-માગ્યા પૈસા ખરચીને પણ પહોંચી જતો. આ માટે મેં જાદુગરોની પાછળ મહિનાના મહિના વિતાવ્યા છે, અને ઊંઘ અને આરામ છોડીને હું એ માટે ઠેર-ઠેર ફર્યો છું. ઘણી વાર તો જાદુના જાણકારના મિજાજના ભોગ પણ બનવું પડતું, અને એના મિજાજને સાચવવો પણ પડતો; અને છતાં કંઈક મળે તો ભાગ્ય સમજવું. ક્યારેક તો મહેનત માથે પડતી !”
મેં કહ્યું : “ત્યારે તો આ કામ વિદ્યાસાધના કરતાં મુશ્કેલ ગણાય.”
એમણે કહ્યું : “વિદ્યાસાધનામાં કોઈ જોખમ તો ભાગ્યે જ ઉઠાવવું પડે, પણ આમાં તો ક્યારેક જીવસટોસટ જેવો મામલો થઈ આવે. કેટકેટલા ખર્ચ અને કેટકેટલી દોડધામ પછી હું મારું ધાર્યું મેળવી શક્યો છું ! આ વિદ્યામાં સાચો ગુરુ મળવો જ મુશ્કેલ. પણ હું આમાં એક રીતે ભાગ્યશાળી છું. ચીનના અને બીજા દેશના જાદુગરો મારી આવડત અને ભક્તિથી ખુશ થઈને હજારો રૂપિયા ખરચતાં પણ ન મળે એવા અદ્દભુત પ્રયોગો મને મફત આપી ગયા છે.”
મેં પૂછ્યું : “તમને નવા-નવા પ્રયોગોની પ્રેરણા કેવી રીતે મળે છે ?”
કે. લાલે કહ્યું : “મન એ વાતમાં જ પરોવાયેલું હોય; એટલે અમુક રીતે જ પ્રેરણા મળે, એમ નથી. પણ મારો એક જાણવા જેવો બીજો અનુભવ તમને કહું : કેટલીક વાર મેં મારી જાતને સ્વપ્નમાં જાદુના અમુક પ્રયોગો કરતી જોઈ; એમાં એ પ્રયોગની ઝાંખી-ઝાંખી રીત પણ જાણવામાં આવતી. આમ કેવી રીતે બનતું હશે તેના બે ખુલાસા હોઈ શકે : એક તો મારી જાદુ પ્રત્યેની તીવ્ર ઝંખના; આ થયો માનસશાસ્ત્રીય ખુલાસો. અને બીજો, પૂર્વજન્મનો કોઈ પ્રબળ સંસ્કાર. એ ગમે તેમ હોય, પણ મારા સ્વપ્નદર્શનથી મને અનેક પ્રયોગોમાં માર્ગદર્શન મળતું રહ્યું છે; અને એક સ્વપ્નમાં આવો પ્રયોગ જોયા પછી બે-ત્રણ મહિના સુધી એની પાછળ પડીને એને સિદ્ધ કરીને જ હું જપું . આ રીતે મને કેટલાય નવા પ્રયોગો પ્રાપ્ત થયા છે.”
(તા. ર૭-૭-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org