________________
૩૯૨
અમૃત-સમીપે " પણ છેવટે કે. લાલની ઉત્કટ તમન્ના અને લાંબા કાળની સાધના ફળી અને તેઓ દેશના એક મહાન જાદુગર તરીકે પોતાના પ્રયોગો કરવા બહાર પડ્યા ! એ વાતને (૧૯૬૩થી) માંડ પાંચેક વર્ષ થયાં.
આ તો કાંતિભાઈનો મેળવેલો થોડોક પરિચય થયો; પણ એમને પ્રત્યક્ષ મળીને કેટલીક જિજ્ઞાસા સંતોષવાનો પણ એક યાદગાર અવસર મળી ગયો. છેલ્લે છેલ્લે તેઓ અમદાવાદ આવેલા ત્યારે પૂજ્ય આગમ-પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના દર્શને આવેલા.
મહારાજશ્રીને પોતાના પ્રયોગોની વાત કરતાં એમણે એક મહત્ત્વની વાત કહી : “જાદુના પ્રયોગમાં કબૂતર અને બીજાં પંખીઓનો ઉપયોગ કરવો પડે છે; અને સામાન્ય રીતે આવા પ્રયોગમાં એ પક્ષી મરી જ જાય છે, અને પછી જે રજૂ કરવામાં આવે છે તે તો બીજું જ હોય છે ! પણ મેં મારા પ્રયોગો એવી રીતે કેળવ્યા છે કે એમાં કોઈ પક્ષીનો નાશ નથી થતો; એક જૈન તરીકે હું આ માટે ખાસ ધ્યાન રાખું છું, અને જેમાં જીવહિંસા કરવી પડે એવા પ્રયોગો છોડી દઉં છું.”
જાદુવિદ્યા અંગે એમણે કહ્યું : “મારી જાણ મુજબ આપણા દેશમાં આ વિદ્યાનો વિકાસ આસામમાં વધારો થયો છે; ત્યાં આને “ભાનુમતી વિદ્યા' કહે છે : એક ભાનુમતી નામની રાજકુમારીએ સૈકાઓ પહેલાં આ વિદ્યાની સાધના કરી હતી. આસામનો કામરૂપ દેશ કામણટ્રમણ માટે જાણીતો છે. આ વિદ્યા મેલી રીતે તેમ જ સાદી રીતે – બંને રીતે સાધી શકાય છે. પણ મેલી વિદ્યાની સાધના કરનારની જિંદગી બરબાદ થઈ જાય છે, તેથી હું હંમેશાં એનાથી દૂર જ રહું છું.
“અલાબક્ષ નામનો એક મહાન જાદુગર થઈ ગયો. એણે મેલી વિદ્યા સાધી હતી. મારી કાબેલિયત જોઈને પોતાની વિદ્યા આપવા માટે એ મારી પાછળ છે મહિના પડ્યો, પણ મેં એને ના જ કહી. કલકત્તામાં એક “કાળી' નામનો અઘોરી જેવો જાદુગર હતો; એણે પણ મેલી વિદ્યા સાધી હતી – એ ભયંકરમાં ભયંકર વિષધર નાગને જીવતો ખાઈ જતો. એણે મને પોતાની વિદ્યાની વાત કરી, પણ હું એ લાલચમાં ન પડ્યો. છેવટે એણે મને એક વાર નાગભક્ષણનો પ્રયોગ જોવાનો આગ્રહ કર્યો. મેં એનો ભેદ પકડી પાડ્યો. નાગભક્ષણ પછી થોડી જ વારે એ એકાંતમાં જઈને વમન કરી નાખતો ! મેલી વિદ્યાની આવી દશા થાય છે; એટલે હું તો એનાથી હંમેશાં દૂર જ રહું છું.”
મેં પૂછ્યું : “કાંતિભાઈ, તમે જે ઝડપથી કામ કરો છો તે માટે તમારે તમારા શરીર અને મનને ખૂબ સાચવવાં પડતાં હશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org