________________
૩૬o
અમૃત-સમીપે શ્રી મુનશીજી જાહેરજીવનને વરેલા એક યશસ્વી કાર્યકરનું જીવન જીવ્યા. એમના કાર્યક્ષેત્રનું ફલક પણ અનેક પ્રદેશોને આવરી લે એવું વિશાળ હતું; એટલું જ નહીં, એકેએક કાર્યને પૂરેપૂરો ન્યાય આપી શકે એવું એમનું ખમીર હતું. એમને જેમ તેજસ્વી, કુશાગ્ર ચાણક્યબુદ્ધિની બક્ષિસ મળી હતી, તેમ એમની કાર્યસંબંધી શક્તિ, સૂઝ, કુશળતા અને બીજાઓ પાસેથી કામ લેવાની કુનેહ પણ વિરલ હતી. વળી લીધું કામ પૂરું કરવાનો અને ક્યારેય પાછાં પગલાં નહીં ભરવાનો એમનો સ્વભાવ હતો. ભાવના, લાગણી કે ઊર્મિલતાનું એમનું બળ તો ખરેખર અખૂટ હતું. શ્રી મુનશીજીને મળેલી સફળતાઓની આ બધી ગુરુચાવીઓ હતી. આ સ્થિતિમાં એમને મન કયું કાર્ય ગૌણ હતું અને કયું મુખ્ય હતું એ કહેવું મુશ્કેલ છે.
વ્યવસાયે શ્રી મુનશીજી એક પ્રખર ધારાશાસ્ત્રી હતા. એને લીધે તેઓને જેમ ખૂબ નામના મળી હતી, તેમ અર્થોપાર્જન પણ પ્રથમ પંક્તિના વકીલ જેવું થયું હતું. પણ માત્ર નામના કે પૈસાથી જ સંતુષ્ટ થઈ જાય એવા એ કેવળ સ્વલક્ષી કે સ્વાર્થી પુરુષ ન હતા. એટલે એમની કાયદાશાસ્ત્રી તરીકેની કાબેલિયતનો પૂરેપૂરો ઉપયોગ રાષ્ટ્રનાં કામોમાં પણ થતો રહ્યો હતો. તેમાં ય ભારતના બંધારણના ઘડતર માટે તેઓએ જે જહેમત ઉઠાવી હતી અને નિષ્ઠાપૂર્વકની સફળ કામગીરી બજાવી હતી તે ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ રહે એવી છે.
શ્રી મુનશીજી, જેવા નિપુણ કાયદાશાસ્ત્રી હતા, એવા જ કુશળ રાજકારણી પુરુષ પણ હતા. રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક અમિતાનો ઉત્કટ ઉપાસક અને મનોરથદર્શી એમનો આત્મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ભાવનાથી અસ્પષ્ટ કેવી રીતે રહી શકે ? મહાત્મા ગાંધીજીની અહિંસક લડતના એક શક્તિશાળી અને ભાવનાશીલ સૈનિક તરીકે, મુંબઈરાજ્યના ગૃહમંત્રી તરીકે, ભારત સરકારના અન્નપ્રધાન તરીકે, ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે અને એવા જ બીજાં જવાબદારીવાળાં સ્થાનો ઉપર રહીને શ્રી મુનશીજીએ દેશની અમૂલ્ય સેવા બજાવી હતી; અને એ રીતે તેઓએ પોતાની દેશદાઝની અને દેશભક્તિની લાગણીને ચરિતાર્થ કરી બતાવી હતી.
પણ જો મુનશીજી કેવળ એક કુશળ કાયદાશાસ્ત્રી અને સફળ રાષ્ટ્રીય નેતા જ હોત તો તેઓ પ્રજાના આટલાં બધાં આદર અને બહુમાનના તેમ જ કૃતજ્ઞતાના અધિકારી ભાગ્યે જ બની શક્યા હોત. પ્રજાના હૃદયમાં અને વિશેષ કરીને બૃહદ્ ગુજરાતના હૃદયમાં તેઓને ચિરંજીવ સ્થાન અપાવનાર તો છે એમની સાહિત્યસર્જક તરીકેની અભુત પ્રતિભા, સાહિત્ય-સંગીત-કલારૂપ સરસ્વતી પ્રત્યેનો તેમનો અપાર અનુરાગ, ગુજરાતની અસ્મિતાને સજીવન કરવાની તેમની અદમ્ય ઝંખના, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ઉત્કટ ભક્તિ, તેમ જ એની સાચવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org