________________
શ્રી ખીમચંદભાઈ વોરા
૩૪૭ બૂઝ અસાધારણ કહી શકાય એવી હતી. તેઓ જ્યારે પણ આવા કોઈ પ્રશ્નો કે પ્રસંગોની છણાવટ કરતા, ત્યારે વાચકને એની વ્યાપકતાનો ખ્યાલ આપવાની સાથે-સાથે એના ઊંડામાં ઊંડા મર્મસ્થાન સુધી ખેંચી જઈ શકતા હતા. આમ થવામાં એમની તેજસ્વી બુદ્ધિનો હિસ્સો હતો જ, પણ એના કરતાં ય વધારે હિસ્સો એમની શ્રદ્ધાપૂત ધર્મબુદ્ધિનો તથા જીવન સાથે એકરૂપ બની ગયેલ ધર્મરુચિ અને ધાર્મિકતાનો હતો. આ ઉપરથી વિના અતિશયોક્તિએ કહી શકાય કે એમણે એક ધાર્મિક વિચારક તરીકેનું જીવન જીવીને સંતોષ માની લેવાને બદલે જીવન સાથે ધર્મને એકરૂપ બનાવવાનો પુરુષાર્થ કરીને પોતાની કારકિર્દીને વિશેષ યશોવલ બનાવી હતી. આ દૃષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે શ્રી ખીમચંદભાઈના સ્વર્ગવાસથી સ્થાનકવાસી સંઘને એક હિતચિંતક અને સદા જાગૃત, સદ્ભાવનાશીલ, નિષ્ઠાવાન, કર્તવ્યપરાયણ કાર્યકરની એટલી મોટી ખોટ પડી છે કે જે જલદી પુરાઈ શકવાની નથી.
પણ શ્રી ખીમચંદભાઈ કેવળ એક ધર્મ-સંઘના કાર્યકર કે આગેવાન હતા એટલું જ કહીએ કે માની લઈએ તો એમની સેવાવૃત્તિને પૂરો ન્યાય આપ્યો ન કહેવાય; અલબત્ત, સ્થાનકવાસી ધર્મ અને સંઘની સેવા એમના અંતરમાં મુખ્ય સ્થાને હતી. છતાં તેઓની સમાજકલ્યાણની સામાજિક દૃષ્ટિ અને રાષ્ટ્રહિતની રાષ્ટ્રીય દૃષ્ટિ પણ સારા પ્રમાણમાં વિકસેલી હતી. તેથી તેઓ આવા પ્રશ્નોની પણ અવારનવાર છણાવટ કરતા રહેતા હતા, અને એના ઉકેલના ઉપાયો પણ કહેતા રહેતા હતા.
વળી, શ્રી ખીમચંદભાઈ શિક્ષણ અને સાહિત્ય તરફ પણ ઘણો અનુરાગ ધરાવતા હતા. આ બંને વિષયો જીવન-ઘડતરના અને સંસ્કારિતાના પાયારૂપ વિષયો હતા એ તેઓ બરાબર જાણતા હતા, અને તેથી એને સમાજમાં સમુચિત સ્થાન અને પ્રોત્સાહન મળે એ માટે હંમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. એક અખબારના તંત્રી તરીકે તેઓ જેમ લેખક તથા ચિંતકરૂપે વિખ્યાત બન્યા હતા, તેમ એમણે કેટલીક નાટક-નાટિકારૂપ કૃતિઓ રચીને સાહિત્ય-સર્જનના ક્ષેત્રે પણ કેટલોક ફાળો આપ્યો હતો.
આ બધા ઉપરાંત શ્રી ખીમચંદભાઈની ઉદારતા અને દાનપ્રિયતા એમના પ્રત્યે વિશેષ આદર અને બહુમાનની લાગણી ઉત્પન્ન કરે એવી હતી. તેઓ આર્થિક દૃષ્ટિએ સુખી હતા, છતાં એમણે કરેલ સખાવતોની યાદી જોતાં કદાચ એમ કહી શકાય કે એમની આવકની સરખામણીમાં એમની દાનવૃત્તિ આગળ વધી જાય એવી હતી. સૌરાષ્ટ્રના ઝાલાવાડમાંના એમના વતન ગૌતમગઢમાંની તથા અન્ય સ્થાનોની પણ અનેક સંસ્થાઓ આ વાતની સાક્ષી પૂરે છે.
(તા. ૨-૧૦-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org