SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પરમાનંદભાઈ કાપડિયા ૩૪૩ વિદ્યા અને સંસ્કારિતાની ભૂમિ ભાવનગર શ્રી પરમાનંદભાઈનું મૂળ વતન. તા. ૧૮-૬-૧૮૯૩ના રોજ મોસાળ રાણપુરમાં એમનો જન્મ. એમનું કુટુંબ ખૂબ નામાંકિત; લક્ષ્મી, સરસ્વતી અને ધર્મસંસ્કારિતાનો વિલ ત્રિવેણીસંગમ આ કુટુંબમાં થયેલો. એમના પિતા શ્રી કુંવરજીભાઈ જૂની પેઢીના એક સાચા ધર્મી, જ્ઞાની અને સેવાભાવી ન૨૨ત્ન. સમભાવ, કાર્યદક્ષતા અને પરગજુપણાને લીધે તેઓ રાજ્યમાં અને પ્રજામાં સમાન રીતે આદરપાત્ર બનેલા; અને ગરવાઈ તો એવી કે એક હાથનું કર્યું બીજો હાથ ન જાણે ! કંઈક દુઃખિયાંઓ કે ભૂલેલાંઓની આપવીતીઓ એમના સાગરસમા પેટમાં કાયમને માટે સમાઈ ગઈ ! ધર્મ-કર્તવ્ય સમજીને એમણે કેટલાયનાં દુઃખ દૂર કર્યાં હશે; પણ મોઢેથી એની વાત ઉચ્ચારવાની કેવી ? સરળ, અને નમ્ર પણ એવા કે કોઈના પ્રત્યે ભૂલ થઈ ગઈ હોય તો સામે ચાલીને એમને ખમાવે ત્યારે જ એમને નિરાંત વળે ! જૈન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ એમનો એવો ઊંડો કે સાધુ-સાધ્વીઓ પણ સંકોચ મૂકીને એમની પાસે ભણવા જાય. વિશાળ કુટુંબના વટ-વ્યવહાર અને વેપારનો પથારો કંઈ નાનાસૂના ન હતા ; પણ શ્રી કુંવરજીભાઈ એ બધાથી જળકમળની જેમ અલિપ્ત રહીને જિંદગીભર ધર્મની, જ્ઞાનની અને સમાજની સેવા કરતા રહ્યા. સાચે જ, તેઓ એક આદર્શ ધર્મસેવી હતા. આવું ઉત્તમ કુટુંબ અને આવા સંસ્કારી પિતાનો લાભ શ્રી પરમાનંદભાઈને નાનપણથી જ મળ્યો. શ્રી પરમાનંદભાઈનો આટલો વિકાસ થયો, એમનામાં સત્યપ્રિયતાનો આટલો ઉન્મેષ થયો અને તેઓ એક આદર્શ સત્યશોધક બન્યા, એનું બીજારોપણ કુટુંબના આ સંસ્કા૨વા૨સામાંથી જ થયું હતું. પોતાથી નાની-સરખી પણ ભૂલ થઈ ગયાનો કે ભૂલેચૂકે અસત્યનું સમર્થન કર્યાનો એમને ખ્યાલ આવે તો પછી એ ભૂલને ચાલુ રાખવાનું કે મમત, કદાગ્રહ કે ખોટી પ્રતિષ્ઠાના ખ્યાલથી એનું સમર્થન કરવાનું શ્રી પરમાનંદભાઈના સ્વભાવમાં જ નહિ; સત્યના શોધકને એમ કર્યું પાલવે જ નહીં. મૅટ્રિક સુધીનો અભ્યાસ શ્રી ૫૨માનંદભાઈએ ભાવનગરમાં કર્યો. આ અભ્યાસની સાથોસાથ ધર્મ, તત્ત્વજ્ઞાન જેવા વિષયોનું સંસ્કા૨પોષક અને સત્યદર્શક સાહિત્ય પણ તેઓ વાંચતા રહ્યા જાણે ભવિષ્યના સત્યશોધક તરીકેની પૂર્વતૈયારી કરતા રહ્યા. સને ૧૯૦૯માં, ૧૬ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને આગળના અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા, અને ત્યાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં રહીને એમણે સને ૧૯૧૩માં બી.એ.ની પરીક્ષા પસાર કરી. કૉલેજના સંપર્કે તો જાણે એમને જ્ઞાનના વિરાટ નિધિનું દર્શન કરાવ્યું, અને એમની જિજ્ઞાસાની અભિવૃદ્ધિ કરી. સને ૧૯૧૬માં તેઓએ એલએલ. બી.ની ડિગ્રી મેળવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy