SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ અમૃત-સમીપે આપઘાતના પ્રયત્ન પછી પણ ન મટ્યો તે આ મંત્રની ઉપાસનાથી છ મહિને દૂર થઈ ગયો – જાણે ચુનીલાલ નવો અવતાર પામ્યા. એમણે વિચાર્યું : ઈશ્વરની કેવી કૃપા મારા પર વરસી છે ! કંઈક સારા કાર્યમાં જીવન વિતાવવાનું મારા ભાગ્યમાં લખ્યું હોય એમ લાગે છે. સને ૧૯૨૧ની આ ઘટના. શ્રી ચુનીલાલની ઉંમર એ વખતે જીવનની પહેલી પચીશીના ઉંબરે ખડી હતી. આ ઘટનાએ ચુનીલાલનો જીવનક્રમ જ પલટી નાખ્યો; અથવા, કદાચ એમ કહી શકાય, કે એણે એમનું જીવનધ્યેય નક્કી કરી આપ્યું. ચુનીલાલ ત્યારથી લોકકલ્યાણના પુણ્યપ્રવાસી બની ગયા; દુખિયાના સાથી બનવામાં એમને જીવનની ચરિતાર્થતાનાં દર્શન થયાં. એ સમય ગાંધીજીનો હતો. એમની નેતાગીરીએ આખા દેશ ઉપર જાદુ કર્યો હતો. ગરીબ-તવંગર, બાળ-યુવાન-વૃદ્ધ, ભણેલ-અભણ, સ્ત્રી-પુરુષો લાખોની સંખ્યામાં રાષ્ટ્રની આઝાદીની લડતના સૈનિક બનીને એમના નેજા નીચે એકત્ર થયાં હતાં. જિંદાદિલ અને દુખિયાના બેલી બનવાની તમન્નાવાળા ચુનીલાલ આવા જીવનસ્પર્શી વાતાવરણથી અસ્પૃષ્ટ કેવી રીતે રહી શકે ? એ તો પોતાની ઝંખનાને સફળ બનાવવા, સને ૧૯૨૨માં, કૉલેજનો ત્રીજા વર્ષનો અભ્યાસ છોડીને, પ્રથમ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાં પણ સ્નાતક-પદવીની પરીક્ષાને ચારેક માસ બાકી હતાં અને ભણતરને તજીને ગાંધીજી તથા ઠક્કરબાપાની રાહબરી નીચે, હરિજન-ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. ચુનીલાલને તો ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યાં જેવો આનંદ થયો. આ બધામાં લગ્નજીવન કે સંસારવ્યવહારના વિચારને ય અવકાશ ક્યાં હતો? ચુનીલાલનું જીવન સહજ બ્રહ્મચારીનું કે સંયમીનું જીવન બની ગયું. જ્યારે દેશની સ્વતંત્રતાનું યુદ્ધ શરૂ થયું, ત્યારે પણ ચુનીલાલ પાછળ ન રહ્યા. ચાર વખત થઈને ત્રણ વર્ષ જેટલા સમય માટે તેઓએ જેલની યાત્રાની મોજ માણી હતી. ૧૯૨૮માં સાપ કરડ્યો છતાં બચી ગયા. એમની સાધનાના કેન્દ્રમાં મૌન બિરાજે છે. સાધકોને મૌન-સાધના દ્વારા પોતાની જાતને ઓળખવાનો અને ચિત્તને સ્વસ્થ-સ્થિર કરવાનો પ્રયત્ન કરવા એ પ્રેરે છે. એ પ્રેરણા મુજબ તેઓ પોતે પણ ચાલે છે અને પોતાનું માર્ગદર્શન માગનારાઓ પણ એ મુજબ વર્તે એવો આગ્રહ રાખે છે. પણ આવી મૌનસાધના દ્વારા પોતાનું ઇષ્ટ પ્રાપ્ત કરવા છતાં તેઓ વિરાટરૂપે લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓને રચનાત્મક પ્રોત્સાહન આપતા રહે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે એવું છે. ક્યાં નગર કે અરણ્યના શાંત, એકાંત સ્થાનમાં પસાર થતું જીવન અને ક્યાં લોકોપકારની પ્રવૃત્તિઓથી ભરેલો આ માર્ગ? એમ લાગે છે કે અનેક પ્રવૃત્તિઓ વચ્ચે પણ અનાસક્ત-અલિપ્ત રહેવાની જળકમળની કળા તેઓને સહજ રીતે પ્રાપ્ત થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy