________________
૨૭૭
અમૃત-સમીપે
રાષ્ટ્ર અને સંઘના કલ્યાણની આકાંક્ષા એ એમની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું; અને તેથી જ એમણે ક્યારેય ભેદ પાડવામાં નહીં, પણ હંમેશાં મતભેદોનું નિવારણ કરીને એકતાને સ્થાપવામાં જ પોતાની શક્તિને સાર્થક કરી હતી. પોતાના નિમિત્તે સંઘમાં ક્યાંય વિક્ષેપ ન જાગવા પામે એ માટે તેઓ હંમેશાં જાગૃત રહેતા. કાળધર્મ પામતાં પહેલાં તેઓએ પોતાના શિષ્ય-પરિવારને એ જ અંતિમ સંદેશો આપ્યો હતો કે “તમે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના ઝઘડામાં અટવાઈ પડવાને બદલે સંયમની આરાધનાને જ પોતાનું સર્વોચ્ચ ધ્યેય રાખજો.”
એમની વાણીમાં જાણે સરસ્વતી વસતી હતી. એમને મળવું એ તો જીવનનો એક આનંદ હતો જ, પણ એમનું વ્યાખ્યાન સાંભળવું એ પણ એક લ્હાવો હતો. મૃદુ, મીઠી છતાં મક્કમતાથી સભર એમની વાણી હતી. અંતરનું ઊંડાણ, શાસ્ત્રપરિશીલન અને ઉત્કટ સંવેદન એ ત્રિવેણીસંગમના આરે પવિત્ર થઈને વહેતી એમની વાણી અંતરને સ્પર્શી જતી. સાચું અને સ્પષ્ટ કથન એ એમની વાણીનો ગુણ હતો. જનતાએ એમને ‘વ્યાખ્યાન-વાચસ્પતિ'ના બિરુદથી સાચી રીતે અલંકૃત કર્યા હતા.
આટલી શકિત, છતાં અહંભાવનું નામ નહીં, ભગવાન મહાવીરના શાસનના એક અદના સિપાહી લેખાવામાં જ પોતાના જીવનને ધન્ય માને અને એ સિપાહીગીરીમાં ખામી ન આવે એ માટે સજાગ રહે; અને છતાં અન્યાય કે અનિષ્ટની સામે નમતું આપવાની વાત નહીં. સ્થાનકવાસી કૉન્ફરન્સના મંત્રી શ્રી આનંદરાજ સુરાણાજીએ મુનિશ્રી મદનલાલજી મહારાજને સિંહવૃત્તિના પ્રતીક તરીકે બિરદાવ્યા છે તે યથાર્થ છે.
ફિરકાબંધીના સીમાડા નડતા ન હોત અને સંપ્રદાયવાદના નશાથી બુદ્ધિ ભ્રમિત ન થઈ હોત તો જૈનસંઘના બધા ય ફિરકાઓમાં ક્યારેક-ક્યારેક પાકતા આવા મહામના અને ઉદાર સંતપુરુષોનો આપણે કેટલો બધો લાભ લઈ શકત ! (તા. ૨૦-૭-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org