SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અમૃત સમીપે (૧૬) સેવાપ્રેમી, ઉદારચેતા મુનિશ્રી નાનચંદજી જૈનસંઘના વર્તમાન યુગના વ્યાપક ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓનાં નામ સ્મરણીય બની રહે એવાં છે; તેઓમાંના સ્વ. મુનિવર્ય શ્રી નાનચંદજી મહારાજ પણ એક છે. તાજેતરમાં જ (તા. ૨૭-૧૨-૧૯૬૪ના રોજ) તેઓ સૌરાષ્ટ્રમાં સાયલા મુકામે દિવંગત થતાં એક સમય પારખું અને લોકપ્રિય મુનિ આપણી પાસેથી સદાને માટે વિદાય થઈ ગયા છે. જનસેવાની અભિરુચિ, વિદ્યાની પ્રીતિ અને પ્રગતિરોધક રૂઢિચુસ્તતા પ્રત્યે અરુચિ એ શ્રી નાનચંદજી મહારાજનાં જીવન અને કાર્યને પ્રગતિશીલ બનાવનાર પ્રેરક બળો હતાં. મધુર કંઠ, મીઠી કલમ અને મનોહર કવિતા રચવાની કળાની જાણે એમને સહજ રીતે બક્ષિસ મળી હતી. વક્તા તરીકે પણ તેમણે નામના કાઢી હતી. એમનું વક્નત્વ જેવું પ્રભાવશાળી હતું, એવું જ પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું. ધર્મના ક્ષેત્રે કોઈને પણ ઊંચા કે નીચા નહીં લેખવાના જૈનધર્મના વિશ્વમૈત્રીના આદેશને એમણે વર્તનમાં ઉતારી બતાવવા પ્રયત્ન કર્યો હતો. એને લીધે જનસેવાનાં કાર્યોને સતત પ્રેરણા આપતા રહેતા એમના ઉપદેશથી સંખ્યાબંધ સેવાપ્રવૃત્તિઓનો જન્મ અને વિકાસ થયો હતો. તેઓનું મૂળ વતન સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં સાયલા ગામ. વિ. સં. ૧૯૩૪માં એમનો જન્મ. લગ્નજીવન અને સંસારથી મુખ ફેરવીને ૨૨ વર્ષની યુવાનવયે એમણે દીક્ષા લીધી હતી. એમની બુદ્ધિનાં દ્વાર નવા વિચારોને સાંભળવા, વિચારવા અને ઝીલવા હંમેશાં ઉઘાડાં રહેતાં હતાં. છેક એ કાળે એમણે જનતાની ધર્મવાણી સાંભળવાની તૃષાને છિપાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની હામ બતાવી હતી – એ બીના જ એમની સમયજ્ઞતા બતાવવા પૂરતી છે. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ હતા, છતાં અઢારે આલમ એમની પાસે આવવા પ્રેરાતી એવી એમની ઉદાર અને વિશાળ દૃષ્ટિ હતી. અને દુઃખિયાનાં દુઃખ જોઈને દ્રવી ઊઠે અને એના નિવારણને માટે કંઈક કરી છૂટવા ઝંખે એવી એમની ચેતના અને જ્ઞાનવિતરણ માટેની એમની તાલાવેલી એમના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી. એમના સ્વર્ગવાસ વખતે, એમના સ્મરણનિમિત્તે, જનસમૂહને દસ લાખ રૂપિયા એકત્ર કરવાની ભાવના જાગે અને એ ને એ જ વખતે ચારેક લાખ રૂપિયા જેટલી મોટી રકમ નોંધાઈ જાય એ બીના જ એમની લોકપ્રિયતા અને સેવાપરાયણતાને અંજલિરૂપ બની રહે એવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy