________________
થતિશ્રી ક્ષમાનંદજી
૨પ૧ જેમના અંતરમાં ધર્મની વ્યાપક દૃષ્ટિ, માનવતા અને સમાજકલ્યાણની ભાવનાનો ઉદય થયો હોય તે રાષ્ટ્રીયતાની ભાવનાથી અલિપ્ત જ કેમ રહી શકે? દેશની સ્વતંત્રતાની ગાંધીજીની અહિંસક લડત કલ્યાણચંદ્રજી મહારાજ ઉપર કામણ કરી ગઈ. ગાંધીજી-પ્રેરિત રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાઈને તેઓએ સ્વદેશીની ભાવના, ખાદી, રેંટિયો વગેરેના પ્રચાર માટે કચ્છમાં જે કામ કર્યું હતું, તે તો એક પ્રેરક દાસ્તાન બની રહે એવું હતું. ગાંધીયુગની શરૂઆતમાં, સોનગઢમાં, રામનવમીના પુણ્ય દિવસે, કલિયુગના રામ ગાંધીજીનો સંદેશો ગામડે-ગામડે ગુંજતો કરવા માટે, મુનિશ્રી કલ્યાણચંદજી મહારાજે જે વિરાટ સમારંભનું આયોજન કર્યું હતું તે સદા સ્મરણીય બની રહે એવું છે.
જેઓને જોતાં જ કોઈ સમર્થ તેજસ્વી સિંહપુરુષની યાદ આવે, જેમની સાથે વાત કરતાં જિંદાદિલી અને જવાંમર્દીનો સાદ સાંભળવા મળે અને જેઓનો સંપર્ક થતાં વાત્સલ્યના મધુર સરોવરનું આચમન કરવાનો આલાદ મળે, એવા કલ્યાણચંદ્રજી બાપા સૌ કોઈના માટે વિશાળ વડલાની શીતળ છાયા સમાન હતા. તેમાં ય વિદ્વાનો અને કલાકારો પ્રત્યેનો તેઓનો અનુરાગ તો બીજાઓને માટે પ્રેરણારૂપ હતા. અમારા “જૈન” પત્રના તેઓ ખાસ હિતચિંતક અને શિરછત્ર હતા.
આવા એક કલ્યાણયાત્રી ધર્મપુરુષ તો, લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરીને, લાંબી માંદગીને અંતે સ્વર્ગના માર્ગે સંચરીને કૃતાર્થ બની ગયા; પણ દીનદુ:ખિયાને વાતના વિસામા અને સાચા આશ્રયસ્થાનરૂપ સંતજનની ખોટ પડી.
(તા. ૨૪-૪-૧૯૭૧)
(૧૨) કર્તવ્યનિષ્ઠ, ઉદારચરિત યતિ શ્રી ક્ષમાનંદજી
અદમ્ય કાર્યશક્તિ, આદર્શ કર્તવ્યનિષ્ઠા અને ઉત્કટ કલ્યાણભાવનાનો ત્રિવેણી સંગમ એટલે સ્વર્ગસ્થ શ્રી ક્ષમાનંદજી મહારાજ : કચ્છની ધરતીના એક જાજરમાન ધર્મપુરુષ; અને સામાન્ય જનસમૂહના સુખ-દુઃખના સાથી. લીધું કામ પૂરું કરીને જ જંપવું અને પાછું પગલું ક્યારેય ન ભરવું એ એમનો સહજ સ્વભાવ હતો.
તેઓનું વતન સૌરાષ્ટ્રના હાલાર જિલ્લાનું ગાગવા ગામ, પિતાનું નામ શા ભોજરાજ કરમશી, પોતાનું નામ ખેતશી. ઉમર નાની પણ સમજણ ઝાઝી : એવું તેનું હિર. મુખ ઉપર સાહસિકતાનું નૂર ચમક્યા કરે. ભારે આશાસ્પદ બાળક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org