________________
૨૫૦
અમૃત-સમીપે સોનગઢ અને એની આસપાસનાં ગામોમાં સામે જઈને આવા દુઃખી-રોગી માનવીઓની સેવા કરતા. વૈદ્ય તરીકે તેઓ ખૂબ નિપુણ અને યશસ્વી હતા. મોટા ભાગની દવાઓ પણ તેઓ પોતાની જાત-દેખરેખ નીચે તૈયાર કરાવતા. તેઓની માનવતાભરી દૃષ્ટિનો લાભ ગરીબ અને તવંગર સહુને સમાન રીતે મળતો. એવા પણ દાખલા મળી આવે છે કે જ્યારે તેઓએ કોઈ ગરીબ દર્દીને ઉત્તમ જાતની દવા એક પણ પૈસો લીધા વગર આપી હોય; એટલું જ નહીં, બિચારો દૂધ વગેરે પથ્ય ખરીદવાના પૈસા ક્યાંથી લાવશે' એવી કરુણાથી પ્રેરાઈને તેઓએ એને પૈસા પણ આપ્યા-અપાવ્યા હોય. આવી માનવતાભરી સંવેદનશીલતાને કારણે જ તેઓ બાપા” જેવા આદર-મમતાભર્યા બિરુદના અધિકારી બની શક્યા હતા.
કચ્છની ભલી-ભોળી-ખમીરવંતી ધરતી તેઓની જન્મભૂમિ. વિ. સં. ૧૯૪૦માં ઘેલડ ગામમાં તેઓનો જન્મ. અઢી વર્ષની બાળવયે જ પિતાનું શિરછત્ર ઝૂટવાઈ ગયું. દુઃખિયારાં માતા બ્રહ્માદેવી પાંચ પુત્રોને લઈને પોતાના પિયર ભુજપુરમાં જઈને વસ્યાં.
બાળકને ભુજપુરમાં સ્થાનકવાસી મુનિ રત્નચંદ્રજીનો સત્સંગ થયો. એમના મુખેથી મૃગાપુત્રનો રાસ સાંભળીને નવ-દસ વર્ષની ઉંમરે બાળકના અંતરમાં વૈરાગ્ય જાગી ઊઠ્યો. વિ. સં. ૧૯૫૨(ઈ. ૧૮૯૩)માં એ બાળકે દીક્ષા ગ્રહણ કરી; નામ મુનિ કલ્યાણચંદ્રજી રાખવામાં આવ્યું. પૂરાં ૭૫ વર્ષ લગી દીક્ષિત તરીકેની પોતાની કલ્યાણયાત્રા ચાલુ રાખીને તેઓ તા. ૯-૪-૧૯૭૧ના દિવસે સોનગઢમાં સ્વર્ગવાસી થયા.
દીક્ષા લીધા પછી શરૂઆતમાં તો શાસ્ત્રાભ્યાસ અને નિર્મળ સંયમપાલન એ જ એમનાં ધ્યેય હતાં. પણ અંતરમાં ભાવના અને શક્તિનો એવો ઝરો વહેતો હતો, કે એ સ્થાનકની ચાર દીવાલોમાં કે પંથની માન્યતાઓના સંકુચિત વાડામાં સમાઈ શકે એમ ન હતો. મુક્તિમાર્ગનો પ્રવાસી અંધશ્રદ્ધા, અજ્ઞાન અને અહંકારનાં અનેક બંધનોથી મુક્ત થવા તલસી રહ્યો હતો. શરૂઆત તેઓએ જિનમંદિરનાં દર્શને અને તીર્થયાત્રાએ જવાથી કરી. એવામાં તેઓને પ્રસિદ્ધ વક્તા શ્રી ચારિત્રવિજયજી મહારાજનો સત્સંગ થયો. બન્ને સમાજ કલ્યાણના ઇચ્છુક મુનિવરો હતા. એ મૈત્રીમાંથી સોનગઢના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમનો જન્મ થયો. જૈન મુનિઓ વ્યાવહારિક શિક્ષણ માટે આવી સંસ્થા સ્થાપે એ ધર્મમાર્ગની વિરુદ્ધની વાત લેખાતી. પણ એવો કોઈ ભય લોકકલ્યાણના યાત્રી આ બે ભાવનાશીલ મુનિવરોને સતાવી કે રોકી ન શક્યો. જૈનસંઘની ઊછરતી પેઢીના શિક્ષણ અને સંસ્કાર-ઘડતર માટે આ બે મુનિવરોએ જે જહેમત ઉઠાવી છે, તે માટે આપણે સદાને માટે તેઓના ઋણી રહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org