________________
૨૪૮
અમૃત-સમીપે જાણે કોઈ જ્ઞાનતૃષા પૂરી કરવાની જન્માંતરની અધૂરી સાધનાના સંસ્કારતંતુને આગળ વધારવો હોય એમ તેઓ દીક્ષા લીધા પછી એકચિત્તે વિદ્યાની ઉપાસનામાં પરોવાઈ ગયા. પંચપ્રતિક્રમણ અને સાધુધર્મની ક્રિયાનાં સૂત્રો ઉપરાંત ચાર પ્રકરણ, ત્રણ ભાષા, “બૃહત્સંગ્રહણી', “ક્ષેત્રસમાસ', છ કર્મગ્રંથ અને “કમ્મપયડી” જેવા જૈન તત્ત્વજ્ઞાનના પાયાના ગહન ગ્રંથોનો અર્થ સાથે અભ્યાસ કર્યો. પણ એટલાથી એમનું જ્ઞાનપિપાસુ મન સંતુષ્ટ ન થયું. જ્ઞાનરસનો આસ્વાદ લીધા પછી જ્ઞાન જ જ્ઞાનને વધારવાની પ્રેરણા આપે એવું આ મુનિવરને પણ થયું. એમનું ચિત્ત વધુ ઊંડા અધ્યયનને ઝંખી રહ્યું.
આ ઝંખનાને પૂરી કરવા તેઓએ શાસ્ત્રાભ્યાસની ચાવીરૂપ સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરી લીધો. પછી તો, જાણે માતા સરસ્વતીના મંદિરનું દ્વાર ખૂલી ગયું હોય એમ, મુનિ ગુણભદ્રવિજયજીએ એક બાજુ સંસ્કૃત સાહિત્યનું અધ્યયન શરૂ કર્યું અને બીજી અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં રચાયેલ આગમસૂત્રોનું અવગાહન શરૂ કર્યું. નવાઈ પમાડે એવી વાત તો એ બની, કે તેઓએ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ વગેરે આગમસૂત્રોનું અને નિશીથચૂર્ણિ, બૃહત્કલ્પભાષ્ય, વ્યવહારસૂત્ર જેવા વિશાળ અને દુર્બોધ છેદગ્રંથોનું સુધ્ધાં ગુરુનિશ્રામાં એવું ગંભીર અધ્યયન કર્યું કે એવા કઠિન ગ્રંથો બીજાઓને સરળતાથી ભણાવવાની યોગ્યતા તેઓમાં પ્રગટી. આ બધા સમય દરમ્યાન તપશ્ચર્યા અને ધર્મક્રિયાઓ કરવાનો ક્રમ તો અખંડપણે ચાલુ જ હતો. જિંદગીની અરધી સદી વીતી ગયા પછી શાસ્ત્રાભ્યાસમાં મેળવેલી આવી નિપુણતા તો સાધનાની વિરલ અને દાખલારૂપ વિશેષતા લેખાવી જોઈએ.
પણ આ વિશેષતા કે સફળતા તેઓએ કંઈ વિદ્વાન કે પંડિત કહેવાવા માટે, નામના રળવા માટે કે વાદ-વિવાદ કરવા માટે નહોતી મેળવી. એનો હેતુ પણ એક માત્ર આત્મશુદ્ધિ કે આત્મસાધના જ હતો; એ પણ સાધનાના અંતરંગરૂપ જ હતી. પરિણામે આ જ્ઞાનોપાસનાનો લાભ તેઓને જ્ઞાની હત્ન વિરતિઃ એ ન્યાયે વિરતિરૂપે મળ્યો હતો, અને એમની સંયમસાધના અંતરંગ ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષાથી વિશેષ શોભી ઊઠી હતી. ગમે તેવા દેહકષ્ટને પણ શાંતિ, સ્વસ્થતા અને સમતાથી સહન કરવાની આંતરિક શક્તિ અને દેહ અને આત્માના જુદાપણાને સમજવાની આધ્યાત્મિક દૃષ્ટિ તેઓમાં જાગી ઊઠી હતી.
અને આ શક્તિ અને દૃષ્ટિની કસોટીમાં પાર ઊતરવાનો અવસર પણ આ મુનિવરને એમની અંતિમ અવસ્થામાં મળ્યો હતો. વિ. સં. ૨૦૨કનું ચોમાસુ તેઓ રાજસ્થાનમાં રોહિડા ગામમાં રહ્યા હતા. ત્યારે પર્યુષણ આસપાસ આહાર-પાણી વાપરવામાં તેઓને તકલીફ વરતાવા લાગી. નિદાન કરાવતાં અન્નનળીનું કેન્સર માલુમ પડ્યું. આવું ભયંકર પીડાકારી અને જીવલેણ દર્દ જાણ્યા પછી પણ મુનિશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org