________________
અમૃત-સમીપે જ હતું; છતાં છેવટે, નાની ઉમરમાં જ, હંસની જેમ નીર-ક્ષીરનો વિવેક કરીને, શ્રીમદે માતૃકુળની જૈનધર્મ પ્રત્યેની આસ્થાને અપનાવી લીધી, જૈનધર્મે પ્રરૂપેલ આત્મસાધનાનો પોતાના જીવનધ્યેય તરીકે સ્વીકાર કર્યો. સત્યની શોધની અને એનો સ્વીકાર કરવાની તેઓની આ તાલાવેલી અતિવિરલ અને દાખલારૂપ બની રહે એવી હતી.
આ રીતે શ્રીમદ્ની ધર્મશ્રદ્ધા જેનધર્માભિમુખ બની અને તેઓ જૈનદર્શનના મર્મજ્ઞ વિદ્વાન બન્યા, છતાં એમની શ્રદ્ધા એકપક્ષી, એકાંગી કે કદાગ્રહરૂપ બનીને કયારેય અંધશ્રદ્ધામાં કે સાંપ્રદાયિક કટ્ટરતામાં ન પરિણમી એ એમની અસાધારણ વિશિષ્ટતા હતી. નહીં તો, સમજપૂર્વક પોતાના પરંપરાગત ધર્મનો ત્યાગ કરીને બીજા ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિમાં મોટે ભાગે સાંપ્રદાયિક કદાગ્રહ, અંધશ્રદ્ધા કે અતિશ્રદ્ધા પ્રગટ થયા વગર ભાગ્યે જ રહે છે. શ્રીમદ્ આ દૂષણથી બચી શક્યા તે એમની આત્મજાગૃતિ, સત્યશોધક દૃષ્ટિ અને ગુણગ્રાહક મનોવૃત્તિને કારણે જ.
આવા આત્મોપકારક સદ્દગુણોને લીધે જ એમનાં વાચન અને શાસ્ત્રાભ્યાસ જૈન ધર્મ અને જૈન દર્શનના ગ્રંથો પૂરતાં મર્યાદિત રહેવાને બદલે અન્ય ધર્મો અને દર્શનોના ગ્રંથોના વાચન-મનન-ચિંતન કરવા જેટલાં વ્યાપક બની શક્યાં હતાં.
જેમ શ્રીમદ્દનું વાચન વિશાળ અને ઉદાર હતું, તેમ એમનું સાહિત્યસર્જન પણ વિપુલ અને વિવિધ-વિષયસ્પર્શી હતું. એમની ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની રચનાઓ તત્ત્વજ્ઞાન કે અધ્યાત્મસાધના જેવા ગહન વિષયોને સરળ, મધુર અને હૃદયસ્પર્શી ભાષા અને શૈલીમાં રજૂ કરતા ગુજરાતી ભાષાના ઉત્તમ નમૂના બની રહે એવી છે. અંતરમાં આવા વિષયો રમમાણ તેમ જ સ્વાનુભવગમ્ય બનીને આત્મસાત્ બન્યા હોય તો જ એના નિરૂપણમાં આવું સુગમપણું તેમ જ સચોટપણું આવી શકે.
આમ થવાનું મુખ્ય કારણ એ છે, કે શ્રીમદે કેવળ સાહિત્યનું સર્જન કરવા ખાતર, પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા ખાતર કે નામના, કીર્તિ કે પ્રતિષ્ઠા મેળવવા ખાતર ક્યારેય પોતાની કલમનો ઉપયોગ કર્યો નથી. ગદ્ય અને પદ્ય રચનાઓ પાછળની એમની મુખ્ય દૃષ્ટિ આત્મસાધનાની પોતાની તીવ્ર ઝંખનાને, ધારણા મુજબ એ માર્ગે આગળ નહિ વધવા અંગેની અંતરની ઊંડી વેદનાને કે આવો ઉત્તમ માર્ગ પોતાને લાધ્યો તે માટેની અપૂર્વ આલાદની લાગણીને વાચા આપવાની તેમ જ જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષવાની અને સાધનામાર્ગના અભ્યાસીને યોગ્ય દિશાસૂચન કરવાની હતી. શ્રીમની પત્રધારા પણ કેટલી વિપુલ, સારગ્રાહી અને અનેકવિષયસ્પર્શી છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org