________________
૨૩૮
અમૃત-સમીપે
ઇતિહાસ સર્જ્યો હતો. સંમેલનની પહેલાં દહેગામ-પરિષદમાં એમણે જે જમાવટ કરી હતી અને નવીન વિચારના સાધુઓનો અવાજ વેરિવખેર ન બની જાય એ માટે જે શક્તિશાળી તંત્ર ખડું કરી બતાવ્યું હતું એ તો રેતીમાં વહાણ હાંકી બતાવવા જેવું અદ્દભુત કાર્ય હતું.
એક કામ કરવાનો નિર્ણય કર્યો પછી એની પાછળ સમર્પિત ઉત્સાહથી લાગી જવું અને એ પૂરું થાય ત્યારે જ જંપવું એ તેઓની સફળતાની ચાવી હતી. (તા. ૧-૧-૧૯૫૫)
(૮) કવિજી ઉપાધ્યાય શ્રી અમરમુનિ
સમસ્ત જૈનસંઘના ગૌરવ-સમા, જૈનધર્મે ઉદ્બોધેલી અહિંસા, કરુણા, સત્યપરાયણતા, સમતા, સહનશીલતા, ઉદારતા, ગુણગ્રાહકતા, વત્સલતા, મૈત્રીભાવના વગેરે સદ્ગુણોને સમાવતી વ્યાપક ધર્મભાવનાના એક ઉત્તમ પ્રતિનિધિ, અને સ્થાનકમાર્ગી ફિરકાના એક સમર્થ સંઘનાયક ઉપાધ્યાય શ્રી અમરમુનિજી (અમરચંદજી) મહારાજ આપણા દેશના સંતોમાં અને જૈનસંઘના શ્રમણસમુદાયમાં પણ આદર અને બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. કટુતા, ક્લેશદ્વેષ અને કોઈને પણ હલકા ગણવાની અમંગળ વૃત્તિથી તેઓ સદા દૂર રહે છે, અને એક નિષ્ઠાવાન શ્રમણને છાજે એ રીતે જ્ઞાન-ધ્યાન-સેવાવૃત્તિમાં સા નિમગ્ન રહીને નિજાનંદનો અનુભવ કરતા રહે છે.
તેઓએ જૈન શાસ્ત્રો ઉપરાંત અન્ય ધર્મનાં શાસ્ત્રોનું પણ ગુણગ્રાહક અને સત્યચાહક વિશાળ દૃષ્ટિથી અધ્યયન કર્યું છે. બધેથી સારગ્રહણ કરવાનો એમનો સહજ સ્વભાવ છે. કેટલાક વખત પહેલાં એમણે સંપાદિત કરેલ ‘સૂક્તિત્રિવેણી’ નામે દળદાર ગ્રંથ કે જેમાં જૈન, બૌદ્ધ અને હિંદુ એ ત્રણે ધર્મશાસ્ત્રોમાંથી વીણેલાં સુવાક્યો, એનાં હિંદી અનુવાદ સાથે આપ્યાં છે, તે તેઓની શાસ્ત્રાધ્યયનની આવી વિશિષ્ટ દૃષ્ટિનો ખ્યાલ આપી શકે તેમ છે.
તેઓ ઉચ્ચ કોટિના લેખક, હૃદયસ્પર્શી વક્તા અને હૃદયંગમ કવિતાના સર્જક છે. એમની વાણી અને કલમમાંથી તેમ જ એમના જીવનમાંથી પણ નિરંતર માનવતા, સંસ્કારિતા અને ધર્મભાવનાનો જીવનપ્રદ રસ ઝરતો જ રહે છે. કોઈના ય અકલ્યાણના પક્ષકાર ન બનવું અને સૌકોઈના કલ્યાણની કામના અને પ્રવૃત્તિમાં જીવનને ધન્ય બનાવવું એ એમનું જીવનવ્રત છે. સાધુતાનો તેઓ એક ઉચ્ચ આદર્શ રજૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org