________________
૨૩૪
અમૃત-સમીપે છતાં, અને પ્રાચીન શાસ્ત્રીય ભાષાઓમાં અનેક મહાગ્રંથોનું સર્જન કરવા છતાં, મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ લોકભાષાની જે ઉત્તમ સેવા બજાવી છે એ બીના પણ આપણને લોકભાષા પ્રત્યે આદર ઉત્પન્ન કરવાની પ્રેરણા આપે એમ છે.
ગુજરાતના જાણીતા વિચારક શ્રી ઉમાશંકર જોષીએ આ વિભૂતિ વિષે કહ્યું છેઃ “૫. વીરવિજયજી ગુજરાતી ભાષાના ઉપાસક હતા. ગુજરાતી ભાષા એ જૈન સાધુઓની ભેટ છે. ગુજરાતી જૈન સાધુઓએ ગુજરાતી ભાષાનાં પારણાં ઝુલાવ્યાં છે; એ ભાષાના વિકાસમાં જૈન સાધુઓનો મોટો ફાળો છે. તેઓ દેશદેશ પગે ચાલતાં ઘૂમે છે, ખૂણે-ખૂણે વિદ્વાનોનો સંપર્ક સાધે છે. આવા જૈન તપસ્વીઓએ ગુજરાતી ભાષામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે; એટલું જ નહીં, ગુજરાતી ભાષા સ્થિર અને સમૃદ્ધ બની રહી, ભાષા તરીકે વિકસી હોય, તો તેમાં જૈનાચાર્યોનો મોટો હિસ્સો છે. પં. વિરવિજયજીની કૃતિઓ પાઠ્યપુસ્તકોમાં પણ છે. આવા કવિઓએ જીવનનાં પદો સરળ ભાષામાં વહેતાં મૂક્યાં છે. તેઓ માત્ર કવિ જ ન હતા, દ્રષ્ટા પણ હતા. આ દેશમાં તપસ્વીઓ કાંઈ બોલતા કે લખતા તેની પાછળ આચાર હતો, વિજળીનો સંચાર હતો; તે સમાજને ઊંચે લાવવામાં કાર્યક્ષમ નીવડતો. એમનું નામ પણ અદ્ભુત છે : વીર છે, પણ શસ્ત્રધારી નથી, પણ કારુણ્યધારી છે.”
આવા એક સાહિત્ય-સેવીનું આપણે સ્મરણ કરીએ છીએ, ત્યારે એમના સાહિત્યને સુરક્ષિત રાખવા સંબંધી પણ કેટલાક વિચારો હુરે એ સ્વાભાવિક છે. કવિવર શ્રી વીરવિજયજીએ પોતાની કૃતિઓથી જેમ જૈન સાહિત્ય સમૃદ્ધ કર્યું, તેમ ગુજરાતી ભાષાની પણ શોભા વધારી છે. એ સ્થિતિમાં એમણે રચેલું સમગ્ર સાહિત્ય સુસંપાદિત રીતે, સુંદર રૂપે એક-બે મોટા ગ્રંથોમાં સંગ્રહી લેવામાં આવે એ જરૂરી છે. આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીએ આ મહોત્સવ પ્રસંગે બોલતાં તેઓના સાહિત્યની સાચવણી કરવાનું સૂચન કરતાં નીચેના શબ્દો ઉચ્ચાર્યા હતા તે તરફ અમે એ મહોત્સવના યોજક મહાનુભાવોનું અને બીજાઓનું ધ્યાન દોરીએ છીએ : “તેઓશ્રીનું સાહિત્ય વેર-વિખેર પડ્યું છે, તેનો સંગ્રહ કરી વ્યવસ્થિત રીતે બહાર પાડવાની જરૂર છે.”
આવા એક કવિવરનું પુણ્યસ્મરણ કરવા અને એમના પ્રત્યે ઋણ-સ્વીકાર કરવા આપણે ઉત્સવ-મહોત્સવ યોજીએ એ તો બરાબર છે; પણ એટલા માત્રથી આ સત્કાર્ય પૂર્ણ થયું ન ગણી શકાય. આવા સરસ્વતી-ઉપાસકનું સાચું સ્મારક તો એમની સાહિત્યસેવા ચિરકાળપર્યત જળવાઈ રહે એ રીતે એમની સમગ્ર કૃતિઓને આપણે જાળવી લઈએ ત્યારે જ રચ્યું ગણાય.
(તા. ૪-૧૦-૧૯૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org