________________
૧૮૨
અમૃત-સમીપે
(૧૯) બહુમુખી સાધક મહાપ્રજ્ઞ યુવાચાર્યજી
સત્યને શોધીને જીવનને સત્યમય એટલે કે ધર્મમય બનાવવાની તાલાવેલી જે વ્યક્તિમાં જાગે છે, એને દુનિયાના બધા રંગ-રાગ એવા ફિક્કા લાગે છે કે એ પોતાનામાં જાગૃત થયેલ આત્મભાવને વધુ ને વધુ ઘેરો-પાકો બનાવવા છેવટે વૈરાગ્યનું શરણ સ્વીકારી તપ-ત્યાગ-સંયમ-તિતિક્ષાને જ પોતાના સદાના સાથી બનાવે છે.
જ્ઞાન-ક્રિયાના સમાન પ્રકર્ષથી શોભતા તેરાપંથના મુનિવર્ય (હવે યુવાચાર્ય)શ્રી નથમલજી સત્યની ખોજ દ્વારા આત્મખોજના ભેખધારી આવા જ એક સંત છે. શ્રમણધર્મની આત્મલક્ષી એટલે કે મોક્ષલક્ષી અપ્રમત્ત સાધના દ્વારા તેઓએ જે અનેકમુખી યોગ્યતા પ્રાપ્ત કરી છે, તેથી પ્રેરાઈને, તેરાપંથના આચાર્યશ્રી તુલસીજીએ એમને ગત નવેમ્બર માસમાં “મહાપ્રજ્ઞ” બિરુદ આપીને અને ત્રણેક અઠવાડિયા પહેલાં (તા. ૩-૨-૧૯૭૯ના રોજ) પોતાની પછી પોતાની પાટે આવનાર આચાર્ય તરીકે “યુવાચાર્ય' પદ અર્પણ કરીને એમની યોગ્યતાનું સંઘમાં જે બહુમાન કર્યું છે તે એક જ્ઞાની અને ગુણિયલ વ્યક્તિની પ્રતિભાને અનુરૂપ છે.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિને આવું બિરુદ કે પદ અર્પવામાં આવે એ નિમિત્તે નોંધ લખવા અમે ભાગ્યે જ પ્રેરાઈએ છીએ. પણ મુનિશ્રી નથમલજીએ દરેક વસ્તુ કે વિચારને પોતાના મૌલિક સ્વતંત્ર ચિંતનથી કસી જોઈને એના નવનીતરૂપ સત્યનો સ્વીકાર કરવાની જે ગુણગ્રાહકવૃત્તિ તેમ જ એ સત્યને સૌમ્યસુંદર રૂપમાં પ્રગટ કરવાની જે ભવ્ય કળા કેળવી છે, તે સૌ સહૃદય ગુણીજનોની પ્રશંસા માગી લે એવી હોઈ અમે આ નોંધ લખવાનું મુનાસિબ માન્યું છે.
જેને સત્યના અને ગુણોના શોધક અને અનેકાંતવાદના ઉપાસક બનવું હોય એણે, સૌથી પહેલાં તો, પોતાની જ્ઞાનસાધનાના સીમાડાને કેવળ વિશાળ જ નહીં, પણ પૂર્વગ્રહો વગેરે બંધનોથી મુક્ત બનાવવા જોઈએ, અને એવી જ્ઞાનસાધનાના પ્રકાશમાં ત્યાજ્ય કે ગ્રાહ્યનો વિવેક કરી તદ્દનુરૂપ વ્યવહાર કરવા તૈયાર રહેવું જોઈએ. તો જ “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ” ની વાતનો આદર કર્યો લેખાય.
યુવાચાર્યે સંપાદિત કરેલ તથા સ્વતંત્રપણે પણ લખેલ નાનાં-મોટાં પચાસ ઉપરાંત પુસ્તકોનું ઉપલક દૃષ્ટિએ પણ નિરીક્ષણ કરતાં એમનું વાચન-અધ્યયન કેટલું વ્યાપક અને વિપુલ છે, અને એમનું મનન-ચિંતન કેટલું ઊંડું અને સમતોલ છે એનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી. વળી તેઓ આત્મસાધના માટે એટલે કે જીવનશોધન માટે કેટલા જાગૃત-અપ્રમત્ત રહે છે એ વાત પણ એમની આવી ઉચ્ચ સાહિત્યસાધના ઉપરથી તેમ એમની સંયમ-વૈરાગ્યચર્યાની કેટલીક વિગતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org