________________
૧૭૩
અમૃત સમીપે પંજાબ-હરિયાણાના જૈનસંઘના તો તેઓ શિરછત્ર જ હતા. પોતાના ગુરુદેવની આજ્ઞા મુજબ, એમણે આ સંઘની ખૂબ સંભાળ રાખી હતી અને એની ધર્મભાવનાની ઘણી માવજત કરી હતી. જૈનસંઘે પણ તેઓને “જિનશાસનરત્ન'નું બિરુદ આપી ઋણમુકિતની કોશિશ કરી હતી.
(તા. ૧૪-૫-૧૯૭૭)
(૧૭) આ. વિજયનેમિસૂરિજી – જૈનસંઘનું સૌભાગ્ય
હૃદયને મંગલ મંદિર બનાવવું કે અવગુણનો ઉકરડો – એ માનવીના પોતાના હાથની વાત છે. દુનિયા સારા-માઠા સંસ્કારોથી કે નિર્મળ અને મલિન વાતાવરણથી ભરેલી છે, અને એમાંથી કેવા સંસ્કાર અને કેવા વાતાવરણને. અપનાવવાં એનો નિર્ણય માનવીએ પોતે કરવાનો હોય છે. એટલું ખરું કે માત્ર સંસ્કાર કે વાતાવરણની પસંદગી કરવા માત્રથી કામ પૂરું થતું નથી. આ પસંદગીને પાર ઉતારવા માટે જેટલા પ્રમાણમાં નિશ્ચયબળ અને કષ્ટસહન માટેની તૈયારી દાખવવામાં આવે છે, એટલા પ્રમાણમાં સફળતા મળે છે.
વળી આત્મતત્ત્વની શોધ અને ઉપાસના જ દુર્લભ માનવજીવનની સફળતાનો રાજમાર્ગ હોવાનું કહેવાયું છે. એ રાજમાર્ગના પુણ્યયાત્રિકો બનીને પુરુષાર્થ કરનારા સંતો અને સાધકો જીવનસિદ્ધિના ધ્રુવતારકો લેખાય છે.
ધર્મામૃતની આવી જ એક સર્વમંગલકારી પરબના સ્થાપક હતા સ્વર્ગસ્થ આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ. વિક્રમની વીસમી સદીમાં જૈનધર્મના જે મહાન પ્રભાવક જ્યોતિર્ધર ધર્મનાયકો થઈ ગયા, એમાં આ આચાર્યનું સ્થાન ખૂબ ગૌરવભર્યું છે. એમના નામ અને કામ શ્રીસંઘને, ચિરકાળ સુધી, જીવનશુદ્ધિ અને ધર્મશાસનની સેવાની પ્રેરણા આપતાં રહેશે.
આ જ્યોર્તિધરનો જન્મ આજથી બરોબર એકસો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્રના ઇતિહાસપ્રસિદ્ધ મહુવા બંદરમાં વિ. સં. ૧૯૨૯ના બેસતા વર્ષ(કારતક શુદિ એકમ)ના પર્વદિવસે થયો હતો. એમના પિતા લક્ષ્મીચંદભાઈ, માતા દિવાળીબહેન, જ્ઞાતિ વિશાશ્રીમાળી જૈના. એમનું પોતાનું નામ નેમચંદ. માતા સરળસ્વભાવી અને કુટુંબ ધર્મભાવનાશીલ. નેમચંદનો ઉછેર ધર્મસંસ્કારના વાતાવરણમાં થયો અને માતાના સુસંસ્કારો જીવનમાં તાણાવાણાની જેમ વણાતા રહ્યા.
કંઈક અનુકૂળ વાતાવરણ અને કંઈક ભવ્ય ભાગ્યયોગનું બળ ઉમેરાયું; સોળ વર્ષની કુમાર-અવસ્થાએ પહોંચતાં-પહોંચતાં તો નેમચંદનો આત્મા જાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org