________________
આચાર્ય વિજયસમુદ્રસૂરિજી
૧૭૫
મુજફ્ફરનગરમાં એક દિગંબર આર્યાના કેશલોચ-સમારંભમાં પોતાના મુનિવરોને મોકલીને આચાર્યશ્રીએ પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. આ રીતે આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની આ ધર્મયાત્રા ધર્મભાવનાની ઉદારતાપૂર્વક લ્હાણ કરનારી લોકકલ્યાણની યાત્રા બની રહી !
(તા. ૨૪-૨-૧૯૬૨)
તેઓના અંતરમાં અન્ય ધર્મો પ્રત્યે કેવો આદરભાવ વસેલો હતો તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. છ-એક વર્ષ પહેલાં મુંબઈમાં, વરલીમાં તેઓના સાંનિધ્યમાં પ્રતિષ્ઠા-મહોત્સવ ઉજવાયો, તે વખતે જુદા-જુદા મુનિવરોને એમની વિશિષ્ટ કામગીરીને અનુરૂપ બિરુદો આપવામાં આવ્યાં. ત્યારે તેમના શિષ્ય મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીને ‘સર્વધર્મસમન્વયી'નું બિરુદ આપવામાં આવ્યું હતું. સર્વ ધર્મો તરફની આવી આદરભરી દૃષ્ટિ પણ આ આચાર્યશ્રીની લોકપ્રિયતાનું એક કારણ છે. આથી જ તેઓને આપવામાં આવેલું ‘રાષ્ટ્રસંત’ બિરુદ ચરિતાર્થ થયું છે.
આચાર્યશ્રીએ મુનિવર્ય શ્રી જનકવિજયજી ગણી જેવા અલગારી અને સત્યપ્રેમ-કરુણાની પ્રતિકૃતિ સમા પોતાના શિષ્યરત્નને પંજાબ અને હરિયાણાનાં ગામડાંઓમાં અભણ, વ્યસનગ્રસ્ત, દીન-દુઃખી માનવજાતને સંસ્કારી બનાવવાનું ઉત્તમ ધર્મકાર્ય કરતા જોઈને થોડા વખત પહેલાં, તેમને અંતરના આશીર્વાદ આપ્યા હતા.
ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણવર્ષની સ૨કા૨ી ધોરણે થયેલી ઉજવણી વખતે, એ સમિતિના અતિથિવિશેષ તરીકે, તેઓએ વિરોધના વંટોળ સામે અડગતા દાખવીને જે કામગીરી બજાવી હતી, તે ચિરસ્મરણીય અને એમના ઉદાર, સર્વકલ્યાણવાંછુ વ્યક્તિત્વની યશોગાથા બની રહે એવી હતી.
પોતાના ગુરુવર્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી પ્રત્યેનું ઋણ ચુકવવા એમણે તેઓની જન્મભૂમિ જમ્મુ-તાવી જેવા દૂરના સ્થાનમાં પણ થોડાંક વર્ષ પહેલાં જિનમંદિર બંધાવીને એની પ્રતિષ્ઠા કરાવી હતી, અને વલ્લભગુરુ પ્રત્યેના ઋણથી મુક્ત થવા વલ્લભજન્મશતાબ્દીની શાનદાર ઉજવણીની પ્રેરણા આપી હતી, અને એ માટે અપાર જહેમત પણ ઉઠાવી હતી.
સાધ્વીસમુદાયનો વિકાસ એમના અંતર સાથે જાણે વણાઈ ગયો હતો; અને એ માટે પોતાના આશાવર્તી સાધ્વીસમુદાયને શાસ્ત્રાભ્યાસ, અન્ય વિદ્યાઓના અધ્યયન, લેખન, સંશોધન, પ્રવચનની, પોતાના ગુરુદેવની જેમ, એમણે પૂરી છૂટ આપી હતી.
કાંગડા તીર્થનો ઉદ્ધાર એમના અંતરમાં વસ્યો હતો, અને એ તીર્થની યાત્રા ફરી મોટા પાયે શરૂ થાય એવી એમની ઉત્કટ ભાવના હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org