________________
૧પ૦
અમૃત-સમીપે અને એને એવી સફળતા મળી કે આજોલની જૈનધર્મની પાઠશાળાના શિક્ષક બનવાનું ગૌરવ એને મળ્યું !
વખત જતાં આજોલનું ક્ષેત્ર ટૂંક લાગ્યું, અને તે મહેસાણાની સુપ્રસિદ્ધ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં જઈ પહોંચ્યો. અહીં એને અનેક જૈન સાધુસંતો, સાધ્વીજીઓ, શેઠ શ્રી વેણીચંદ સુરચંદ જેવાં ધર્માત્મા શ્રાદ્ધરત્નો અને ધર્મના રંગે રંગાયેલી શ્રાવિકા-બહેનોનો સંપર્ક મળ્યો. અહીં ધર્મના વિશેષ અધ્યયન સાથેસાથે અધ્યાપનનો પણ અવસર મળવા લાગ્યો; ક્યારેક-ક્યારેક સાધુ-સાધ્વીઓને પણ ભણાવવાનો અવસર મળી જતો. બહેચરના મનનો મોરલો નાચી ઊઠ્યો.
વળી, એની વિદ્યાપ્રીતિ કંઈ નવું-નવું જાણીને સંતોષ પામે એવી મર્યાદિત પણ ન હતી; એની વિરલ સર્જક પ્રતિભા ક્યારેક કવિતારૂપે તો, ક્યારેક નિબંધરૂપે વહેવા લાગતી. બીજી બાજુ, સમયના વહેવા સાથે, ધર્મનું આરાધન કરવાની ભાવના પણ વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી અને એમને વ્રત, તપ, સંયમના માર્ગે આગળ વધવા પ્રેરતી હતી. આ રૂચિએ બહેચરદાસને નાની ઉંમરથી જ મુખ્યત્વે ધ્યાનસાધનાનો રંગ લગાડી દીધો હતો.
આ બધું જોઈને સૌને એમ જ લાગતું કે આ પાટીદાર યુવાન છેવટે જૈન સાધુ બનશે. પણ બહેચરદાસની ઇચ્છા સાધુ બનવાને બદલે આદર્શ શ્રાવક બનીને શાસનની અને સંતોની સેવા કરવાની અને એ રીતે પોતાના જીવનને ધન્ય બનાવવાની હતી. એથી એમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હતું.
પણ ભવિતવ્યતા કંઈક જુદું જ ચાહતી હતી – ચોમેર જળહળી ઊઠનાર પ્રકાશપુંજ ગૃહસ્થજીવનના ઓરડામાં રૂંધાઈ રહે એ જાણે એને મંજૂર ન હતું.
મુનિર રવિસાગરજી મહારાજ વિ. સં. ૧૯૫૪માં કાળધર્મ પામ્યા, અને એમની અંતરની આજ્ઞાને પૂરી કરવા બહેચરદાસે વિ. સં. ૧૯૫૭માં પાલનપુરમાં મુનિશ્રી રવિસાગરજીના શિષ્ય મુનિવર્ય શ્રી સુખસાગરજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી; નામ રાખ્યું મુનિ “બુદ્ધિસાગરજી' – સાચે જ, પોતાની જ્ઞાનસાધના અને વિપુલ સાહિત્યસર્જન દ્વારા, એ નામને સાર્થક કરીને તેઓ જ્ઞાનના મહેરામણ બની ગયા. દીક્ષા વખતે એમની ઉમર ૨૭ વર્ષની હતી.
પછી તો મુનિજીવન જ્ઞાનસાધના, ધ્યાનસાધના અને સંઘકલ્યાણ કે લોકકલ્યાણની સાધના રૂપ ત્રિવિધ માર્ગે આગળ વધવા લાગ્યું. એમનું દિલ, જૈનધર્મની જ્ઞાન-ચારિત્રની સાચી આરાધનાના ફળરૂપે, દરિયા જેવું વિશાળ બની ગયું; અને તેઓ જૈનસંઘના ગુરુ હોવા છતાં સર્વલોકના – અઢારે વરણના – ગુરુ બની રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org