________________
૧૪૨
અમૃત સમીપે માણેકસાગરજીએ પોતાના ગુરુવર્યના ચરણે બેસીને વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ રીતે મેળવેલી જ્ઞાનાર્જનની વિશેષ યોગ્યતા અને ગુરુકૃપાના બળે એમણે આપણાં પવિત્ર જૈન આગમસૂત્રોનું ઊંડું અને મર્મગ્રાહી અધ્યયન કર્યું. ગુરુભક્તિ, જ્ઞાનોપાસના અને ધર્મક્રિયાની જાગૃતિ – એ ત્રિવેણી સંગમ સાધીને એમનું એ જીવન મૂક ધર્મસાધનાના દાખલારૂપ બની ગયું.
આગમશાસ્ત્રોનું તેઓનું અધ્યયન આગમોદ્ધારક ગુરુના ઉત્તરાધિકારીને શોભે એવું મર્મગ્રાહી અને વ્યાપક હતું. કોઈ પણ આગમ-પદાર્થનું જ્યારે તેઓ વિવેચન કરતા, ત્યારે કોઈ પણ જિજ્ઞાસુને એમની જ્ઞાનગરિમાનું સુભગ દર્શન કરવાનો અવસર મળતો. આમ છતાં, તેઓ પોતાના જ્ઞાન-ત્તેજથી બીજાને આંજી નાંખવાનો ક્યારેય પ્રયત્ન ન કરતા. એમનું જ્ઞાન કેવળ બુદ્ધિ- વૈભવના દેખાડારૂપ નહીં, પણ પોતાના અને બીજાંના અંતરમાં અજવાળાં પાથરે એવું અંતર્મુખ, જીવનસ્પર્શી અને ઉપકારક હતું. આના લીધે જ તેઓ “જ્ઞાનસ્થ વિરતિ ” (“જ્ઞાનનું ફળ વૈરાગ્ય) એ ધર્મસૂત્રને ચરિતાર્થ કરી શક્યા હતા.
વિ. સં. ૧૯૯૨ની સાલમાં ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થની પવિત્ર છાયામાં તેઓને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પદ કે પદવીનો એમને ક્યારેય મોહ ન હતો. એટલે, અરિહંતના અભાવમાં ભારે જવાબદારીવાળા સ્થાન તરીકે જ આચાર્યપદનો તેઓએ સ્વીકાર કર્યો હતો, અને એ જવાબદારી નિભાવી અને શોભાવી જાણીને એનો મહિમા વધારવા સતત પ્રયત્ન કર્યો હતો. એક-સો જેટલાં મુનિરાજો અને ચાર-સો જેટલાં સાધ્વીજી-મહારાજોના ગચ્છાધિપતિ તરીકે શાંતિ, સમતા અને શાણપણપૂર્વક એમણે પોતાના ગુરુદેવના સ્વર્ગવાસ પછી એક પચીશી સુધી જે કામગીરી બજાવી હતી, એનું સૌ કોઈ કૃતજ્ઞતાની ઊંડી લાગણી સાથે સ્મરણ કરે છે.
પોતાના ગુરુવર્ય તરફની એમની ભક્તિ દાખલારૂપ હતી. ગુરુશ્રીએ રચેલ નાના-મોટા ૨૨૦ જેટલા ગ્રંથોનું સંશોધન-સંપાદન કરીને એમણે ગુરુઋણને પૂરું કરવાનો વિનમ્ર છતાં સમર્થ પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત, તેઓશ્રીએ પોતે પણ અનેક ગ્રંથોનું સંશોધન-સંપાદન-સર્જન કર્યું હતું. તેથી તેઓની ઋતભક્તિ અને બહુશ્રુતતાનો લાભ, જેમ આગમશાસ્ત્રોની વાચનાઓ રૂપે અનેક સાધુમુનિરાજો તથા સાધ્વીજી-મહારાજોને મળ્યો હતો, તેમ દીર્ઘ સમય સુધી જ્ઞાનરસિમેને પણ મળતો રહ્યો. આગમ-વાચના એ તો એમનો નિત્યક્રમ હતો; તબિયતની ચિંતા સેવ્યા વગર એનું તેઓ બરાબર પાલન કરતા હતા.
(તા. ૧૭-૫-૧૯૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org