________________
૧૪૦
અમૃત-સમીપે કુલેશ કંકાસ, નિરર્થક વાદવિવાદ અને નિંદાકૂથલીથી દૂર રહેવું, નકામી પ્રવૃત્તિઓમાં કાળક્ષેપ કરવાને બદલે સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી લેવો અને જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી પોતાના ચિત્તને પ્રસન્ન રાખવા સદા પ્રયત્નશીલ રહેવું એ આચાર્યશ્રીનો સહજ સ્વભાવ હતો. એને લીધે જ તેઓ આ સદીની સાહિત્યોપાસનાના ઇતિહાસમાં ઉજ્વળ નામ મૂકતા ગયા છે.
છેલ્લા બે દાયકામાં એમના શરીરમાં પરસ્પરવિરોધી ઉપચારોથી ન સુધરી શકે એવા વ્યાધિઓએ વાસ કર્યો હતો એક બાજુ દમનો વ્યાધિ અને બીજી બાજુ ચામડીની ખુજલીનો વ્યાધિ. દમનો વ્યાધિ ગરમ ઔષધિનો ઉપચાર માગે અને ખુજલીનો વ્યાધિ ઠંડા ઔષધોની અપેક્ષા રાખે. આમ એક વ્યાધિનો ઉપચાર કરતાં બીજો વ્યાધિ વકરવા લાગે. આમ શરીરનું સ્વાથ્ય વલોવાઈ જવા છતાં, આચાર્યશ્રીએ એ શરીર પાસેથી કામ લીધું અને ખૂબ કઠણ શાસ્ત્રીય વિષયોનું અધ્યયન કરી બતાવ્યું એ બીના એમના આત્મામાં કેટલું ખમીર વિકસ્યું હતું એનો ખ્યાલ આપવા પૂરતી છે. ખરેખર એમણે સૌરાષ્ટ્રના ખમીરનું ગૌરવ વધાર્યું છે.
લગભગ અડધી સદી (૪૮ વર્ષ) જેટલા દીર્ઘ દીક્ષાપર્યાયમાં આ રીતે જ્ઞાન અને ચારિત્રનું સમારાધન કરી તેમણે પોતાનું જીવન કૃતાર્થ કર્યું.
(તા. ૨૧-૩-૧૯૯૪)
(૮) સમતા-આરાધક આચાર્ય માણેકસાગરસૂરિજી
આગમોદ્ધારક આચાર્યપ્રવર શ્રી સાગરાનંદસૂરિજીના સમુદાયના વડીલ, ગચ્છાધિપતિ અને પટ્ટધર આચાર્ય શ્રી માણેકસાગરસૂરિજીનો, ગત ચૈત્ર વદિ આઠમના રોજ, લુણાવાડા મુકામે, ૮૪ વર્ષની વૃદ્ધ વયે સ્વર્ગવાસ થતાં સમભાવના આજીવન સાધક શ્રમણવરની ખોટ પડતાં તપગચ્છ-સંઘ ગરીબ બન્યો છે.
આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું જીવન અને કાર્ય જેમ આગમોના રક્ષક અને જૈનસંઘના મહાન ઉપકારી શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણની સ્મૃતિને જગાડે છે, તેમ આચાર્યશ્રી માણેકસાગરસૂરિજીની જ્ઞાનોપાસનાયુકત જીવનસાધના આગમશાસ્ત્રો અને ત્યાગ-વૈરાગ્ય-સંયમપોષક અન્ય ધર્મગ્રંથોના જીવનસ્પર્શી અધ્યયન-અધ્યાપનને સમર્પિત થયેલા અનેક શ્રમણ શ્રેષ્ઠોની આત્મસાધનાનું પુણ્યસ્મરણ કરાવે છે.
સ્વર્ગસ્થ આચાર્યશ્રીનું જીવન ત્યાગ-વૈરાગ્યની ઉચ્ચ ભાવનાથી, તેમ જ સરળતા, નમ્રતા, વિવેકશીલતા જેવા, સાચી સાધુતાના પોષક અને સૂચક ગુણોથી વિશેષ ગૌરવશાળી બન્યું હતું. જરૂર કરતાં પણ ઓછું બોલવાનો એમનો સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org