________________
૧૩૨
અમૃત સમીપે રજૂ કરવાની નીડરતા, ગમે તેને પોતાના બનાવી દેવાની આવડત, બીજાઓ પાસે પોતે ધારેલું કામ કરાવવાની કુનેહ : આવ-આવી અનેક વિશેષતાઓને લીધે આચાર્યશ્રીનું વ્યકિતત્વ જાજરમાન બની શક્યું હતું. તેમાં ય જૈનેતર વિદ્વત્સમાજને પોતાના તરફ આકર્ષવાની અને એમની સાથે કામ કરવાની એમને વિશેષ ફાવટ હતી. આને લીધે આ દેશના તથા બહારના સંખ્યાબંધ દેશોના વિદ્વાનો સાથે એમને ખૂબ ગાઢ અને સ્નેહ-મૈત્રીભર્યો સંબંધ હતો.
સદ્દગત આચાર્યશ્રી નવી વિચારસરણી અને સુધારક પ્રવૃત્તિના પુરસ્કર્તા સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના પટ્ટધર હતા. જેને શાસ્ત્રો અને સાહિત્યના તેઓ અચ્છા અભ્યાસી હતા, અને ઇતિહાસ એમનો વિશેષ પ્રિય વિષય હતો; એમાં એમણે નિપુણતા મેળવી હતી. જૈન ઇતિહાસના કેટલાક પ્રસંગોને અનુલક્ષીને એમણે નાનાં-મોટાં પુસ્તકો પણ લખ્યાં હતાં; હિન્દીમાં લખેલા “તીર્થકર મહાવીર' તેમનું છેલ્લું સર્જન છે.
ઇતિહાસ પ્રત્યેની વિશેષ અભિરુચિ તેના અભ્યાસીને સ્વાભાવિક રીતે જ પુસ્તકોના સંગ્રહ પ્રત્યે દોરી જાય છે. સ્વર્ગસ્થ આચાર્યશ્રીને, એ રીતે, ઉત્તમ કોટીનાં પુસ્તકોનો ઘણો શોખ હતો; અને આવાં ઉચ્ચ કોટીનાં પુસ્તકો પસંદ કરવાની એમની કોઠાસૂઝ તો એથી ય આગળ વધી જાય એવી હતી. તેઓ જ્યાં રહેતા ત્યાં અચૂક રીતે પુસ્તકોનો સારો એવો સંગ્રહ થઈ જતો. સ્વતંત્ર રીતે ચાલવા-ફરવાની શક્તિ જારી રહી ત્યાં સુધી વિદ્વાનોની અવરજવર પણ એમની પાસે ચાલુ જ રહી હતી.
આચાર્યશ્રીનું મૂળ વતન પંજાબમાં સનખતરા ગામ. એમનો જન્મ વિ. સં. ૧૯૩૭માં થયેલો. વીસ વર્ષની યુવાન વયે, વિ. સં. ૧૯૫૭માં, ચાણસ્મામાં એમણે સ્વ. શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિશ્રી ધર્મવિજયજી) પાસે દીક્ષા લીધી હતી, અને ઉત્તરોત્તર અભ્યાસ કરીને અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું. એમના થોડા પણ પરિચયમાં આવનારને એમનામાં રહેલ પંજાબના તેજ અને ખમીરનો ખ્યાલ આવ્યા વિના ભાગ્યે જ રહે. આને લીધે તેઓ અનેક રાજદ્વારી આગેવાનો સાથે સહેલાઈથી સંબંધ બાંધી શકતા.
છેલ્થ વિ. સં.૨૦૨૧નું ચોમાસુ શિવપુરીમાં કર્યું. તે અગાઉ આઠેક વર્ષ તેઓ મુંબઈમાં (અંધેરીમાં શેઠશ્રી ભોગીલાલ લહેરચંદના “માઉન્ટ પ્લેઝન્ટ' બંગલાના એક ભાગમાં) રહીને સંશોધનનું કામ કરતા રહ્યા. તે અગાઉ તેઓ દિલ્હીમાં હતા ત્યારે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનો અને જિજ્ઞાસુઓને જૈન ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવામાં, તેમ જ એમની જિજ્ઞાસાની પૂર્તિ કરીને એમને જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડવામાં જૈનસંઘના એક જાજરમાન પ્રતિનિધિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org