________________
અમૃત સમીપે
એમણે મહાન વૈયાકરણ પાણિનિના વ્યાકરણના આધારે તે સમયના ભારતનું દર્શન કરાવતો દળદાર ગ્રંથ અંગ્રેજી અને હિંદીમાં (પાણિનીકાલીન ભારત' નામે) લખ્યો છે, ‘હર્ષચરિત'નું સાંસ્કૃતિક દૃષ્ટિએ અવલોકન લખ્યું છે, કાદંબરીનું નિરૂપણ કર્યું છે, કળાને લગતાં અનેક નાનાં-મોટાં પુસ્તકો લખ્યાં છે. એમનાં છપાયેલ પુસ્તકોની સંખ્યા ૮૮ જેટલી અને હજી અપ્રગટ રહેલાં પુસ્તકોની સંખ્યા ૪૪ જેટલી છે.
૧૧૪
શ્રી અગ્રવાલજીનો જન્મ સને ૧૯૦૪માં ઉત્તરપ્રદેશમાં અલાહાબાદમાં થયો હતો. લખનૌ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ૧૯૩૧થી તે ૧૯૩૯ સુધી તેઓએ મથુરા મ્યૂઝિયમના અને તે પછી ૧૯૪૫ સુધી લખનૌ મ્યૂઝિયમના ક્યુકેટર તરીકે ભારે યશસ્વી કામગીરી બજાવી હતી. મથુરામાંથી મળી આવેલા ભારતની ત્રણે સંસ્કૃતિના પુરાતન અવશેષોના તેઓ મર્મજ્ઞ વિદ્વાન હતા. એ સંબંધી એમણે પુસ્તક પણ લખ્યું છે. આ કામગીરીની સાથોસાથ જ વિશેષ અધ્યયન કરીને એમણે પીએચ. ડી. અને ડી. લિ.ની ડિગ્રી મેળવી હતી. દિલ્હીના સરકારી મ્યૂઝિયમમાં કેટલાંક વર્ષો ગાળ્યા બાદ આખરે તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્થિર થયા, અને છેવટ સુધી ત્યાં રહીને જ એક યા બીજાં સ્થાનો મારફત પોતાના વિદ્યાવ્યાસંગને વધારતા રહ્યા.
રાષ્ટ્રીયતા અને સતત કાર્યશીલતા એ એમના બીજા ગુણો હતા. શરીર ભલે ને આરામને ઝંખતું હોય, પણ વિદ્યાસેવા તો અટકવી ન જ જોઈએ એવી એમની મનોવૃત્તિ હતી. તેથી જ બાસઠ વર્ષ જેટલી પ્રમાણમાં નાની ઉંમરે વિદાય થયા છતાં તેઓ શતાયુ વિદ્વાનના જેટલો સમૃદ્ધ અને અખૂટ વિઘાવારસો પોતાની પાછળ મૂકતા ગયા.
એમનું ખાનપાન ખૂબ સાદું, સાત્ત્વિક અને શરીરને સ્વાસ્થ્યપ્રદ હોય એવું જ રહેતું. કુદરતી ઉપચાર ઉપર એમને અપાર આસ્થા, અને વિલાયતી ઉપચાર તરફ ભારે અણગમો હતો. છેલ્લાં ચારેક વર્ષ દરમિયાન મધુપ્રમેહ, આંખની તકલીફ વગેરે અનેક શારીરિક પ્રતિકૂળતાઓ છતાં એમણે મહામુસીબતે વિલાયતી ઉપચાર લેવાનું કબૂલ્યું હતું – તે પણ ટૂંક સમય પૂરતું જ.
પૂ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી અને સદ્ગત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના પ્રયાસથી પ્રાકૃત આગમગ્રંથો વગેરેના પ્રકાશન માટે સ્થપાયેલ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના તેઓ અધ્યક્ષ હતા. ઉપરાંત, વિદ્યાપ્રવૃત્તિને વરેલ નાની-મોટી અનેક સંસ્થાઓ સાથે શ્રી અગ્રવાલજી સંકળાયેલા હતા. તેમનો તા. ૨૭-૭-૧૯૭૬ના રોજ ૬૨ વર્ષની ઉંમરે વારાણસીમાં સ્વર્ગવાસ થયો.
(તા. ૬-૮-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org