________________
૧૧૩
ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ . (૩) વિધાવિભૂતિ ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ
જન્મે કરકસરશીલ આદર્શ વૈશ્ય શ્રી વાસુદેવશરણજી કર્મે સાચા અને આદર્શ બ્રાહ્મણ હતા. ઉત્કટ વિદ્યાનિષ્ઠા, સૂક્ષ્મદર્શી કુશાગ્ર બુદ્ધિ અને સાવ સાદી જીવન-પદ્ધતિનું જાણે એમને સહજ વરદાન મળ્યું હતું. એમનું સમગ્ર જીવન માતા સરસ્વતીની ઉપાસનામાં અર્પણ થયું હતું. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના વિરલ લેખી શકાય એવી ઉચ્ચ કોટિના તેઓ વિદ્વાન હતા.
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિદ્યાનો એવો કોઈ વિષય કે એવું કોઈ અંગ ભાગ્યે જ હશે કે જેનું અવગાહન ડૉ. અગ્રવાલજીએ ન કર્યું હોય કે જેના વિષયમાં આધારભૂત લેખી શકાય એવું કંઈ પણ ન લખ્યું હોય. ભારતની મુખ્ય ત્રણ ધર્મસંસ્કૃતિઓ – બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ – ની અને તેમનાં ધર્મશાસ્ત્રોની ભાષા અનુક્રમે સંસ્કૃત, પ્રાકૃત અને પાલીના તેઓ ઊંડા અભ્યાસી હતા. ઉપરાંત, ભારતીય ઇતિહાસ, પુરાતત્ત્વ અને કળાના તેઓ મર્મજ્ઞ વિદ્વાન હતા. ઇતિહાસ અને ધર્મસંસ્કૃતિના સંદર્ભમાં તેઓએ ભારતીય દર્શનો સંબંધી પણ ઉપયોગી સમજણ કેળવી હતી. વેદ, ઉપનિષદ, રામાયણ-મહાભારત આદિ તો જાણે એમના હૃદયમાં રમ્યા જ કરતાં હતાં. શિલ્પશાસ્ત્રને પણ એમના અધ્યયનના ક્ષેત્રમાં સ્થાન
હતું.
- શ્રી અગ્રવાલજીની આગવી પ્રતિભા કોઈ પણ પ્રાચીન કે પરંપરાગત વિષયના મૌલિક ચિંતન અને અનોખા અર્થઘટન(interpretation)માં ચમકી ઊઠતી. વાત એક ને એક જ હોય, પણ શ્રી અગ્રવાલજીના વિવેચનનું તેજ પામીને એ ભારે અસરકારક કે હૃદયસ્પર્શી બની જતી. એમ કહી શકાય કે કોઈ પણ પ્રાચીન વિષયને અવલંબીને ચાલતી એમની લેખનશક્તિમાં સંવેદનશીલ અને સમર્થ સર્જકની વિરલ પ્રતિભા ચમકી ઊઠ્યા વગર ન રહેતી ? એવું મધુર, એવું સમર્સ અને એનું હૃદયંગમ એમનું લખાણ બનતું – ભલે પછી એ લખાણ એમની માતૃભાષા હિંદીમાં ઊતર્યું હોય કે એમના ઊંડા અધ્યયનની બોધભાષા અંગ્રેજીમાં લખાયું હોય.
વિષય વ્યાકરણનો હોય, લોકસાહિત્ય, કાવ્ય-મહાકાવ્ય, નાટક કે ચરિત્રનો હોય; અથવા ઇતિહાસ, પુરાતત્ત્વ, કળા, ધર્મશાસ્ત્ર કે શિલ્પશાસ્ત્રનો હોય – ભારતીય જીવન અને સંસ્કૃતિના ગમે તે અંગને લગતો હોય ; એને આત્મસાતું કરી લેવાની એમની ગ્રહણશક્તિ અને એને જબાન કે કલમ દ્વારા રજૂ કરવાની એમની નિરૂપણશક્તિ સહૃદય વાચક અને જિજ્ઞાસુના હૃદયને ડોલાવી મૂકે એવી અદ્ભુત હતી.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org