________________
શ્રી અગરચંદજી નાહટા નિષ્ઠાવાનું વિદ્યાસેવી બનવાનું એમનું ભાગ્યવિધાન હતું. આ કાર્યમાં કીર્તિભરી સફળતા અપાવે એવી વિદ્યારુચિ, કોઠાસૂઝ અને કાર્યનિષ્ઠાની એમને જાણે નાનપણથી જ બક્ષિસ મળી હતી; તેઓ એનો ઉત્તરોત્તર વધુ ને વધુ લાભ લઈને પોતાનો વિકાસ સાધતા રહ્યા છે, અને અત્યારે ૯૦ વર્ષની પાકટ વયે પણ એમની આ સાધના અખંડપણે ચાલુ છે એ વિશેષ હર્ષ ઉપજાવે એવી બીના છે. જ્યારે જુઓ ત્યારે તેઓ હસ્તલિખિત પ્રતોને તપાસવાના, એની સાચવણીના, એનાં સંશોધન-સંપાદન-પ્રકાશનના, ધાર્મિક-સામાજિક-સાહિત્યિક, લેખો લખવાના કે વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ કે જિજ્ઞાસુઓને માર્ગદર્શન, સહાય કે જરૂરી સામગ્રી આપવાના કાર્યમાં લાગેલા જ હોવાના.
શ્રી નાહટાજીનો વિદ્યારંગ આવો પાકો ન હોત તો એક વેપારી તરીકે તેઓ ક્યારના લક્ષ્મીના રંગે રંગાઈને વિદ્યાસાધનાનું આકરું ક્ષેત્ર તજી ગયા હોત. વેપાર ખેડવા માટે તેઓ છેક આસામ જેટલા દૂર જઈ વસ્યા હતા; અને ત્યાં વર્ષો સુધી રહ્યા હતા. પણ એમના અંતરમાં ઊંડે-ઊંડે વિદ્યા તરફના અનુરાગનો એવો ઝરો સતત વહેતો હતો કે જેથી એ વેપારના ખેડાણ દરમિયાન પણ એમની વિદ્યાસેવાની વેલ મુરઝાઈ જવાને બદલે સતત વિસ્તરતી રહી; એટલું જ નહીં, જેમ-જેમ સમય વિતતો ગયો, તેમ-તેમ વેપારવૃત્તિ ઓછી થતી ગઈ અને વિદ્યાસાધનાની ભાવના એવી પ્રબળ બની ગઈ કે છેવટે એ જ એમના જીવનનું ધ્યેય બની રહી. '
" શ્રી નાહટાજીએ અનેક પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદન કરીને એમનો ઉદ્ધાર કર્યો છે. ઉપરાંત જૈન સંસ્કૃતિ અને ઇતિહાસની અનેક બાબતો ઉપર પ્રકાશ પાડતા સાહિત્યનું પણ એમણે સર્જન કર્યું છે. પ્રાચીન સાહિત્ય કે સામગ્રીનો સંગ્રહ કરવાની એમની ટેવને કારણે ઘણી મૂલ્યવાન સામગ્રી સુરક્ષિત બની શકી છે. | શ્રી નાહટાજીની વિદ્યાઉપાસનાની એક અન્ય વિશેષતાની અહીં ખાસ નોંધ લેવા જેવી છે. પ્રાચીન સાહિત્ય અને કળા-સામગ્રીના અભ્યાસી વિદ્વાનનું કાર્યક્ષેત્ર મોટે ભાગે પ્રાચીન સાહિત્ય અને કળાનાં સંશોધન, સંપાદન, પ્રકાશન કે સંરક્ષણ પૂરતું જ મર્યાદિત હોય છે; લોકભોગ્ય લેખનપ્રવૃત્તિ સુધી એ ભાગ્યે જ વિસ્તરે છે. પણ શ્રી નાહટાજીની વાત જુદી છે. તેઓ બધા ય ફિરકાના જૈન સંઘોને સ્પર્શતા ધાર્મિક, સામાજિક કે શિક્ષણ-સાહિત્ય-વિષયક વર્તમાન પ્રશ્નોને સમજી એનો ઉકેલ દર્શાવી શકે છે. આમ, જૈન સંઘના બધા ફિરકાઓ જેમના લેખોને આદરપૂર્વક આવકારતા હોય એવા લેખકો આપણે ત્યાં કેટલા ? શ્રી નાહટાજી એવા લેખક છે એ એમની અનોખી વિશેષતા છે. ઉપરાંત જૈનેતર જનતાને માટે પણ તેઓએ લેખો લખ્યા છે. આ રીતે તેઓએ, પ્રાચીન ગ્રંથોના સંશોધન ઉપરાંત અનેક પ્રસ્તાવનાઓ અને હજારેક લેખો લખ્યા છે. તેમના અનેક ભાષણો પણ છપાયાં છે. લેખ માગો એટલે તરત મળે જ – એવી લેખનસિદ્ધિ તેમને મળેલી છે.
Jain Education International
For Private & Persorial Use Only
www.jainelibrary.org